વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ સુરતમાં હીરાના કારીગરો માટે રાહત પેકેજની માગણી કરી હતી.તેઓ શ્રમજીવી સેવાલય ખાતે હીરાના કારીગરોને મળ્યા હતા અને તેમના પ્રશ્નો અંગે ચર્ચા કરી હતી. હાલમાં ચાલી રહેલા રશિયા-યુક્રેન યુદ્ધ અને અન્ય વૈશ્વિક કારણોસર હીરા ઉદ્યોગ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો છે અને કારીગરોના કામના કલાકોમાં ઘટાડો થયો છે.
ચાવડાએ જણાવ્યું હતું કે અત્યારે દર અઠવાડિયે રજા બે દિવસની હોય છે અને દિવાળીનું વેકેશન વહેલું શરૂ થવાનું છે. ઘણા કામદારો આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે અને કેટલાકે તેમનું જીવન પણ સમાપ્ત કરી દીધું છે. આવી સ્થિતિમાં કેન્દ્ર તેમજ રાજ્ય સરકારે કારીગરો માટે રાહત પેકેજ લાવવું જોઈએ. ચાવડાએ મ્યુનિસિપલ કોર્પોરેશને હીરાના કારીગરો પાસેથી વ્યાવસાયિક વેરો ન વસૂલવાની પણ માંગ કરી હતી.