ભારતીય હવામાન વિભાગએ અરબ સાગરમાં થનારા સંભવિત ચક્રવાતી તોફાનના કારણે મહારાષ્ટ્રમાં હવામાનમાં ફેરફારની ચેતવણી આપી છે. આઈએમડીના આજના હવામાન અપડેટમાં જણાવવામાં આવ્યું છે કે દક્ષિણ પશ્ચિમ મોનસૂન આજે 19 ઓક્ટોબરના રોજ સમગ્ર દેશમાંથી વિદાય થઈ ગયું છે. એક હળવા દબાણનું ક્ષેત્ર દક્ષિણ પૂર્વ અને તેની નજીક દક્ષિણ પશ્ચિમ અરબ સાગર પર સ્થિત છે. અત્રે જણાવવાનું કે ઓક્ટોબરથી લઈને ડિસેમ્બર સુધી સમુદ્રના ગરમ તાપમાનના કારણે બંગાળની ખાડી અને અરબ સાગરમાં ચક્રવાતોના વિકાસની સંભાવના રહેલી હોય છે.
હવામાન ખાતાના જણાવ્યાં મુજબ આ હળવા દબાણનું ક્ષેત્ર 21 ઓક્ટોબરની આજુબાજુ દક્ષિણ પશ્ચિમ અને નજીકના પશ્ચિમ મધ્ય અરબ સાગર પર એક દબાણ બનાવે તેવી સંભાવના છે.
આ ઉપરાંત બીજી એક સિસ્ટમની વાત કરીએ તો 21 ઓક્ટોબરની સવાર સુધીમાં બંગાળની ખાડીના મધ્ય ભાગો પર એક હળવા દબાણનું ક્ષેત્ર બનવાની સંભાવના છે અને 23 ઓક્ટોબરની આજુબાજુ બંગાળની ખાડીના પશ્ચિમ મધ્ય ભાગ પર તે વધુ તીવ્ર બને તેવી શક્યતા છે.