આમ આદમી પાર્ટી ગુજરાતના યુવાનોના હકની લડાઈ લડી રહી છે:સરકાર તાત્કાલિક ધોરણે જ્ઞાન સહાયક યોજના રદ કરે અને કોન્ટ્રાક્ટ પ્રથા બંધ કરીને કાયમી ભરતી શરૂ કરે : ચૈતર વસાવા
જ્ઞાન સહાયક પ્રોજેક્ટ શિક્ષણના ખાનગીકરણનો પ્રોજેક્ટ છે: યુવરાજસિંહ જાડેજા
અમદાવાદ
જ્ઞાન સહાયક મુદ્દે આમ આદમી પાર્ટી દ્વારા આયોજિત યુવા અધિકાર યાત્રાનો આજે સાતમો દિવસ હતો. આમ આદમી પાર્ટીના યુવા નેતા યુવરાજસિંહ જાડેજા અને ધારાસભ્ય ચૈતર વસાવાની અધ્યક્ષતામાં યુવા અધિકાર યાત્રા દાંડીથી નીકળી હતી અને આવતીકાલે ગાંધીનગર ખાતે એક મોટો કાર્યક્રમ કરીને ગાંધીઆશ્રમ પહોંચશે. આજે આ યાત્રા શામળાજી પહોંચી હતી, ત્યાંથી ભિલોડા થઈને સાંજે આ યાત્રા હિંમતનગર પહોંચી હતી. આ યાત્રામાં આમ આદમી પાર્ટીના પ્રદેશ હોદ્દેદારોની સાથે સાથે જિલ્લા તથા તાલુકા અને શહેરનાના પ્રમુખ તથા હોદ્દેદારો પણ હાજર રહ્યા હતા. સાથે સાથે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને ટેટ ટાટ પરીક્ષામાં પાસ થયેલા ઉમેદવારો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા.
આ યાત્રા દરમિયાન આમ આદમી પાર્ટીના યુવા નેતા યુવરાજસિંહ જાડેજાએ જનતા સમક્ષ પોતાની વાત રજૂ કરતાં જણાવ્યું હતું કે, વર્તમાનમાં તાનાશાહ બનીને રાજ કરતી ભાજપ સરકાર ગુજરાતના બાળકો સાથે અન્યાય કરી રહી છે. આજે અમે તમારી પાસે તમારો સમય માંગીએ છીએ અને આ તમારો આપેલો સમય આવનારા સમયમાં તમારા બાળકોનું ભવિષ્ય નક્કી કરશે. વર્તમાન સરકાર જે જ્ઞાન સહાયક પ્રોજેક્ટ લઈને આવી છે, તે શિક્ષણનું ખાનગીકરણ કરવાનો પ્રોજેક્ટ છે. હાલ ગુજરાતમાં લાખો યુવાનો સરકારી નોકરી માટે પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે. પરંતુ સરકાર હવે આ યુવાનોને કાયમીની જગ્યાએ કોન્ટ્રાકટ આધારિત નોકરી આપવા જઈ રહી છે. એના વિરોધમાં અમારી લડાઈ ચાલી રહી છે. આવતીકાલે અમારી આ યાત્રા ગાંધીનગર ખાતે પહોંચશે અને ત્યાં મોટી સંખ્યામાં યુવાનો અમારી સાથે જોડાઈ તેઓ હું સૌને આગ્રહ કરું છું.આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ જનતાને સંબોધિત કરીને જણાવ્યું હતું કે, તારીખ 13 ઓક્ટોબરના રોજ દાંડીથી યુવા અધિકાર યાત્રાની શરૂઆત થઈ હતી. અને આવતીકાલે આ યાત્રા ગાંધીનગર પહોંચશે. ગાંધીનગર ખાતે ખૂબ જ મોટી પ્રમાણ માં યુવાનો અમારી સાથે જોડાવાના છે. અમારો હજુ પણ યુવાનોને આગ્રહ છે કે વધુમાં વધુ સંખ્યામાં યુવાનો ગાંધીનગર આવે અને ખાસ કરીને એવા યુવાનો કે જેઓને સરકારી નોકરી જોઇએ છે કારણ કે આ એમના હકની લડાઈ છે. અમારી ગુજરાત સરકાર સમક્ષ સ્પષ્ટ માંગણી છે કે ગુજરાત સરકાર તાત્કાલિક ધોરણે જ્ઞાન સહાયક યોજના રદ કરે અને કોન્ટ્રાક્ટ પ્રથા બંધ કરીને કાયમી ભરતી શરૂ કરે. જ્ઞાન સહાયક મુદ્દે તમામ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો. આમ આદમી પાર્ટીની સાથે સાથે હવે જનતા પણ જ્ઞાન સહાયક યોજનાને બંધ કરવાની માંગણી કરી રહી છે.