જેમને અમેરિકા ભણવા માટે કે નોકરી કરવા કે પછી સ્થાઈ થવા માટે જવું છે તેમણે ત્યાંની કેટલીક નાની-નાની કામની બાબતો ધ્યાનમાં રાખવા જેવી છે. સામાન્ય રીતે લોકોને એવું લાગતું હોય છે કે અહીં હોવ કે ત્યાં હોવ માણસો તો સરખા જ હોય છે. પરંતુ સંસ્કૃતિ, આબોહવા, કાયદા, નિયમો વગેરેની અસર અમેરિકામાં માણસોમાં પણ જોવા મળતી હોય છે. હવે જેમને અમેરિકા જવું છે તેમણે ત્યાની કેટલીક નાની બાબતો જાણેલી હોય તો તેમને મદદરૂપ થાય છે.
અગાઉ અમે હિપ્પા વિશે વિસ્તૃતમાં માહિતી આપી હતી, જે બાદ અહીં અમેરિકાના લોકોની ખાવાની રૂચી અને તેને લઈને કેટલીક બાબતોની એલર્જી વિશે પણ જાણવું જરુરી છે.
‘જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત’ આ બાબત તમે દુનિયાના કોઈ પણ દેશમાં જાવ ત્યાં જોવા મળશે. ગુજરાતી તહેવારો, પરંપરા, સંસ્કૃતિ વગેરે જે કોઈ દેશમાં ગુજરાતીઓ રહેતા હોય ત્યાં જોવા મળી જાય છે. હાલ નવરાત્રીનો સમય ચાલી રહ્યો છે તો અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા કે યુકે કોઈ પણ દેશ હોય ત્યાં ગુજરાતીઓ એક થઈને ગરબાનું આયોજન કરી રહ્યા છે. આ જ રીતે ગુજરાતી વાનગીઓ અને ગુજરાતીઓનો ખાવા પ્રત્યેનો રસ અને રૂચી પણ તેમનાથી છૂટતા નથી, તેઓ ત્યાં પણ ગુજરાતી ફરસાણ અને વાનગીઓ આરોગતા હોય છે. અહીં તમારી સમક્ષ લાંબી પ્રસ્તાવના એટલા માટે બાંધી રહ્યા છે કારણ કે તમે અમેરિકા જાવ અને તમારાથી ત્યાં કોઈ ભૂલ થાય અને તમને મોંઘી ન પડી જાય.
અમેરિકામાં લોકોને ખાવાની બાબતને લઈને ઘણી એલર્જી હોય છે, જમવાનો ટેસ્ટ, સ્મેલ, દેખાવ વગેરેને લઈને લોકોને ઘણી એલર્જી થતી હોય છે. તમને માનવામાં નહીં આવે પરંતુ જો તમે કોઈને તમારા ઘરે બનાવેલા શુધ્ધ, ઘી-તેલના ફાફડા, જલેબી, ખમણ કે અન્ય ફસાણ આપ્યા અને તે ખાવાથી કોઈને એલર્જી કે બીજી તકલીફ ઉભી થશે તો તમારે લેવાના દેવા થઈ પડશે. જોકે, આવું બધા કિસ્સામાં થાય તેવું જરુરી નથી પરંતુ ગુજરાતીઓને ઓફિસ, કૉલેજ કે ધંધાના સ્થળ પર સાથે બેસીને જમવાની આદત હોય છે. આવું દેશમાં ઘણી જગ્યાએ હોય છે પરંતુ આપણે તેને અહીં ગુજરાત પુરતું સિમિત રાખીએ.
સાથે બેસીને જમવાની પરંપરા પ્રમાણે આપણે કંઈક નવું લાવ્યા હોય તો ટેસ્ટ કરવા માટે સાથે બેઠેલા લોકોની સમક્ષ તે વાનગી કે ટિફિન ધરતા હોઈએ છીએ, પરંતુ અમેરિકામાં લોકોને ખાવાની બાબતને લઈને જાત-જાતની એલર્જીઓ થતી હોવાથી તમારા ફૂડના કારણે તેમને તકલીફ પડી તો મુશ્કેલી ઉભી થઈ શકે છે. માટે અમેરિકામાં વર્ષોથી રહેતા અને ત્યાની બાબતોને સારી રીતે જાણનારા લોકો એવી જ સલાહ આપે છે કે તમારે કોઈને જમવાનું ટેસ્ટ કરવાની ઓફર કરીને મુશ્કેલી ઉભી ન કરવી. જોકે, એવું નથી હોતું કે દરેક વ્યક્તિ સાથે આવું થાય જ છે, પરંતુ તમારા ત્યાના નાગરિક સાથે સંબંધો કેળવાય પછી તેઓ પણ ગુજરાતી ફૂડ પસંદ કરતા હોય છે કે તેમને તમારી વાનગીઓ ખાવામાં રસ પડતો હોય છે.
પરંતુ બને ત્યાં સુધી કોઈ નવી વ્યક્તિ હોય તો તેમને તમારું જમવાનું ઓફર કરવાનું ટાળવું જોઈએ. ઘણી જગ્યાઓ પર પીનટ એટલે મગફળીને લગતી એલર્જી વિશે પણ માહિતી આપવામાં આવી હોય છે. તમે સાંભળ્યું હશે કે પ્લેનમાં અથાણા જેવી વાનગી ખોલવામાં આવે તો લોકોને તે પસંદ પડતી નથી, સામાન્ય રીતે જ્યારે તમે વઘારેલી કે આથેલી વાનગીઓ એસીવાળા રૂમમાં ખોલશો તો તમારી આસપાસ બેઠેલા લોકોને તેની સ્મેલ પસંદ પડશે નહીં આવું જ ખાવાની બાબતોમાં પણ થતું હોય છે માટે તમે અમેરિકા જાવ ત્યારે ખાવાનું ઓફર કરવાની બાબતમાં ખાસ ધ્યાન રાખવું પડશે.