ચોક્કસ ફ્લેવરની ચા પીવાથી યાદશક્તિ, સ્ટ્રેસ, ઊંઘ પર અલગ-અલગ અસર થાય છે. બ્રિટનની નૉર્થમ્બ્રિયા યુનિવર્સિટીના રિસર્ચરો દ્વારા કેટલાક વૉલન્ટિયર્સ પર ત્રણ પ્રકારનાં પીણાંનો પ્રયોગ કરવામાં આવ્યો હતો. થોડાકને ફુદીનાની હર્બલ ચા પીવડાવી, થોડાકને કૅમમાઇલ ફ્લાવરની ટી પીવડાવી અને થોડાકને માત્ર ગરમ પાણી જ આપ્યું. ફુદીનાથી મગજ ઉત્તેજિત થઈને ઍક્ટિવ થઈ જાય છે, જ્યારે કૅમમાઇલથી મગજ શાંત અને સુસ્ત થઈ જાય છે.ગરમ પાણી પીવાથી મૂડ અને મગજની ઍક્ટિવિટી પર ખાસ કોઈ પરિવર્તન જણાતું નથી.
બ્રિટિશ સાઇકોલૉજિકલ સોસાયટીની વાર્ષિક કૉન્ફરન્સમાં રજૂ થયેલા અભ્યાસમાં રિસર્ચરોએ જણાવ્યું હતું કે વાંચતાં પહેલાં અથવા તો મેમરી શાર્પ રહે એવું ઇચ્છતા હોઈએ એ વખતે ફુદીનાનાં પાન ઉકાળીને બનાવેલી ચા પીવામાં આવે તો મગજ અલર્ટ થઈ જાય છે અને લાંબા સમય સુધી જોયેલું, વાંચેલું, સાંભળેલું યાદ રહે છે. બીજી તરફ રાતે ઊંઘવામાં તકલીફ થતી હોય તો કૅમમાઇલ હર્બની ટી પીવી. એનાથી વિચારોનું ઘમસાણ ઘટશે અને મગજ શાંત થઈને ઊંઘ આવી જશે.