અમદાવાદ શહેરના સિંધુભવન રોડ ઉપર ક્રાઈમ બ્રાન્ચે ડ્રગ્સ સાથે એક આરોપીની ધરપકડ કરી છે. મહંમદ હઝરુદ્દીન ઉર્ફે હઝર કબૂતર નામના શખ્સની ધરપકડ કરી છે. નઇમ ટકલા અને ઇસતીયાક મામા નામના બે શખ્સની તપાસ શરૂ કરાઈ છે. યુવાનોને ગેરમાર્ગે દોરવા માટેના કાવતરાનો ક્રાઈમ બ્રાન્ચે કર્યો પર્દાફાશ.
અમદાવાદના સિંધુભવન રોડ ઉપર ક્રાઈમ બ્રાન્ચને મળેલી માહિતીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી.જેમાં મહંમદ અઝરુદ્દીન નામનો શખ્સ 5 લાખ રૂપિયાનું ડ્રગ્સ લઈને પહોંચ્યો હોવાની બાતમી મળી હતી. જેના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા મહંમદ અઝરુદ્દીનને ઝડપી લઈને તેની પાસેથી 54.800 મિલિગ્રામ ડ્રગ્સ કબજે કરવામાં આવ્યું હતું. ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં વધુ બે નામ સામે આવ્યા જેમાં નઇમ ટકલા અને ઇસતીયાક મામા નામના બે આરોપીઓની સંડોવણી હોવાનો ખુલાસો થયો હતો.
અગાઉ નઇમ ટકલા વિરુદ્ધ ગુજસીટોકનો ગુન્હો દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસ તપાસમાં આરોપીઓ ડ્રગ્સનું વેચાણ જુહાપુરા,વેજલપુર અને સિંધુભવન વિસ્તારમાં કરતા હોવાની કબુલાત કરવામાં આવી છે.આ સાથે નવરાત્રીમાં ખેલૈયાઓ દ્વારા ડ્રગ મંગાવવામાં આવ્યું હતું કે કેમ તે દીશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે.