બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર શહેરમાં સોમવારે બપોરના ત્રણ વાગ્યાના અરસા દરમિયાન નિર્માણાધીન પુલનો સ્લેબ તુટી પડ્યો હતો. સ્લેબના 5 હિસ્સા તૂટીને જમીન પર પડતા કાટમાળ નિચે એક રિક્ષા અને એક ટ્રેક્ટર દટાઈ જવા પામ્યુ હતુ. રિક્ષાનો ચાલક સહિત 2 લોકો કાટમાળ નિચે દટાઈ જવાને લઈ મોતને ભેટ્યા હોવાના સમાચાર સામે આવ્યા છે. એક સીસીટીવી વીડિયો પણ વાયરલ થયો હતો, જેમાં એક યુવક બચાવ માટે દોટ લગાવતો હતો પરંતુ સ્લેબ પડતા તે દબાઈ જવા પામ્યો હતો.
ઘટનાને પગલે ક્લેકટર સહિત પોલીસના અધિકારીઓ સ્થળ પહોંચ્યા હતા. ઘટના બાદ તુરત જ માનસરોવર ફાટક વિસ્તારના માર્ગને બંધ કરીને બચાવ કામગીરી હાથ ધરવામા આવી છે. ઘટનામાં એક વ્યક્તિના મોતના સમાચાર આવ્યા હતા. ત્યારબાદ હાલમાં જ મળતા સમાચાર મુજબ વધુ એક વ્યક્તિનુ ઘટનામાં મોત નિપજ્યુ છે. આમ બે વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા છે.
• મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પાલનપુર શહેરમાં નેશનલ હાઈવે ૫૮ પર રેલવે ઓવરબ્રિજના એપ્રોચના ગર્ડર ટોપલ થવાની દુર્ઘટનાની અત્યંત ગંભીરતાથી નોંધ લીધી છે.
• મુખ્યમંત્રીશ્રીએ આ દુર્ઘટનાના પ્રાથમિક કારણો જાણવા માટે રાજ્ય સરકારના માર્ગ મકાન વિભાગના ક્વોલિટી કંટ્રોલના અધિક્ષક ઇજનેર, ડિઝાઇન સર્કલના અધિક્ષક ઇજનેર તેમજ GERIના અધિક્ષક ઇજનેરને તાત્કાલિક પાલનપુર પહોંચવાના આદેશો કર્યા છે.
• આ અધિક્ષક ઇજનેરશ્રીઓ પાલનપુર જવા રવાના થયા છે અને સ્થળ તપાસ કરીને દુર્ઘટનાના પ્રાથમિક કારણો તાત્કાલિક રાજ્ય સરકારને જણાવશે.