આવતીકાલે તા.૨૪ ઓક્ટોબરે અસત્ય પર સત્યના વિજયના પર્વ વિજયાદશમીએ ગાંધીનગરમાં વર્ષો અગાઉ દર વર્ષે રાવણ દહનના કાર્યક્રમનું આયોજન થતું હતું જેમાં મોટી સંખ્યામાં નાગરિકો તેમના બાળકો સાથે ઉપસ્થિત રહેતા હતાં. પાટનગરમાં છેલ્લે વર્ષ ૨૦૦૪ માં રાવણ દહનનો કાર્યક્રમ યોજાયો હતો. છેલ્લા ૨૦ વર્ષથી પાટનગરમાં રાવણ દહનનું મોટું આયોજન નથી થયું. શહેરના બાળકો, તરુણો અને યુવા પેઢીમાં ઘણો મોટો વર્ગ છે જે રાવણ દહન કાર્યક્રમનો સાક્ષી નથી બની શક્યો ત્યારે આ વર્ષે વિજયાદશમીએ સહાય ફાઉન્ડેશનના નેજા હેઠળ શ્રી નીતિનભાઈ પટેલ(ઈગલ)અને બંગાળી કારીગરોના સમન્વયથી ૫૧ ફૂટ ઊંચા રાવણના દહનનો કાર્યક્રમ યોજાશે. રામકથા મેદાન, સેકટર ૧૧ ખાતે આયોજિત કેસરિયા ગરબા મહોત્સવ સ્થળ પાસે દશેરાએ સાંજે ૬.૩૦ કલાકે મોટા આયોજન સાથે રાવણ દહનના કાર્યક્રમનું આયોજન કરાયું છે. રાવણ દહન પહેલા ભવ્ય આતશબાજી કરાશે.
સહાય ફાઉન્ડેશન પાટનગરવાસીઓને રાવણ દહન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા જાહેર આમંત્રણ પાઠવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે શ્રી નીતિનભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ અગાઉ રાવણ દહનના ૧૬ કાર્યક્રમો વર્ષ ૨૦૦૪ પહેલા યોજાઇ ચૂક્યા છે. હવે, આ વર્ષે ૨૦ વર્ષના લાંબા અંતરાલ બાદ ગાંધીનગરમાં રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે. સહાય ફાઉન્ડેશન દ્વારા જાહેર જનતાને આમંત્રણ પાઠવવામાં આવે છે.