અમદાવાદ જિલ્લા કલેક્ટર સુશ્રી પ્રવિણા ડી. કે.ના અધ્યક્ષસ્થાને કાર્યક્રમના સુચારું આયોજન અંગે સમીક્ષા બેઠક યોજાઇ
અમદાવાદ
આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના આહ્વાનને પગલે સમગ્ર દેશમાં જન આંદોલન બની ગયેલા ‘મારી માટી મારો દેશ’ અભિયાન અંર્તગત ગુજરાત સહિત ભારતભરમાં નાગરિકો ઉત્સાહભેર સહભાગી થયા છે.આ અભિયાન અંતર્ગત રાજ્યકક્ષાનો ‘મારી માટી, મારો દેશ’ કાર્યક્રમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં 27 મી ઓકટોબરે સાબરમતી રિવફ્રન્ટ ખાતે યોજાશે. અમદાવાદ જિલ્લા કલેક્ટર સુશ્રી પ્રવિણા ડી. કે. ના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ખાતે આ રાજ્યકક્ષાના કાર્યક્રમના સુચારું આયોજન અંગે સમીક્ષા બેઠક યોજાઈ. જિલ્લા વિકાસ અધિકારી શ્રી મેહુલ દવેએ પણ આ બેઠકમાં ઉપસ્થિત અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરીને કાર્યક્રમના સફળ આયોજન માટે સલાહ સૂચનો કર્યાં. કાર્યક્રમને લગતી વિવિધ તૈયારીઓની આ બેઠકમાં સમીક્ષા કરવામાં આવી હતી તથા સંબંધિત અધિકારીશ્રીઓને વિવિધ જવાબદારીઓ સોંપવામાં આવી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં યોજાનારા આ કાર્યક્રમમાં રાજ્યના દરેક જિલ્લામાંથી આવનારા કળશ અમદાવાદ ખાતે લાવવામાં આવશે અને કાર્યક્રમ બાદ આ કળશને અમદાવાદથી દિલ્હી ખાતે મોકલવામાં આવશે. શાળા-કોલેજના વિદ્યાર્થીઓ, સાધુ-સંતો, મહંતો વગેરે આ કાર્યક્રમમાં સહભાગી થશે.