ગાંધીનગરનાં નાંદોલી ગામના બંગલામાંથી સાંતેજ પોલીસે થોડા વખત અગાઉ દરોડો પાડીને રૂ. 23.28 લાખથી વધુની કિંમતનો વિદેશી દારૃ – બિયરનો જથ્થો ઝડપી પાડી “રઈશ” ફિલ્મની માફક ચાલતાં દારૂના નેટવર્કનો પર્દાફાશ કરી પાંચ ઈસમો વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. આ દારૂના નેટવર્ક પાછળ પાંચ આરોપીઓ પૈકીના મુખ્ય સૂત્રધાર જીગ્નેશ ઉર્ફે સ્કોચ વિરુદ્ધ સોલા સહિતના પોલીસ મથકોમાં 30 થી વધુ પ્રોહીબીશનનાં ગુના નોંધાયેલા હોવાનો સાંતેજ પોલીસની તપાસમાં ઘટસ્ફોટ થયો છે. જો કે બુટલેગર દંપતી સહિત ચારેય આરોપીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે.
સાંતેજ પોલીસ મથકના પીઆઈ વી ડી ડાભી સહિતની ટીમે પૂર્વ બાતમીના આધારે નાંદોલી ગામની સીમમા આવેલ કનકધારા બંગલોના મકાન નં -8 માં દરોડો પાડી કેમિકલના પાઉડર ભરેલા 43 પીપડાનાં પતરા કાપીને દારૂનો વિપુલ માત્રામાં જથ્થો ઝડપી પાડી ત્રિકમચંદ રામનિવાસી ખોરવાલેની ધરપકડ કરી વોન્ટેડ જૈમીન મહેન્દ્રભાઇ પટેલ (રહે. શાહપુર, અમદાવાદ) તથા જીગ્નેશ મહેન્દ્રભાઇ પટેલ (રહે. સોલા સાયન્સ સીટી રોડ),ધર્મેશ ઉર્ફે લાલો કનુભાઇ પટેલ (રહે. શાહપુર, અમદાવાદ) અને ધર્મેશની પત્ની નેહા વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો.
આ સમગ્ર દારૃનું નેટવર્ક “રઈશ” ફિલ્મની માફક ચલાવવા પાછળ મુખ્ય સૂત્રધાર જીગ્નેશ ઉર્ફે સ્કોચ મહેન્દ્રભાઇ પટેલ મહત્ત્વની ભૂમિકા ભજવતો હતો. જેણે દારૂનો વેપલો ચલાવવા માટે ઉક્ત બંગલો ભાડે રાખ્યો હતો. અને જૈમીન પટેલ, ધર્મેશ ઉર્ફે લાલો કનુભાઇ પટેલ, અને ધર્મેશની પત્ની નેહા સાથે મળીને ભાગીદારીમાં દારૂનો ધંધો શરૂ કર્યો હતો. સોસાયટીના રહીશોની આંખમાં ધૂળ નાખવા ધર્મેશ અને તેની પત્ની બંગલામાં રહેતા હતા. અને પોતે કાપડનો હોલસેલ વેપાર કરતાં હોવાનો ડોળ ઊભો કર્યો હતો.
દારૂના જથ્થાને બબલ ફોઇલ કોથળીથી પેક કરીને કેમિકલ પાઉડર ભરેલા પીપમાં તેમજ કપડાનાં મોટા પાર્સલોમાં સંતાડીને લાવવામાં આવતો હતો. ટેમ્પો કે પીકઅપ ડાલુ સીધુ બંગલાનાં ગેટ સુધી લઈ જવાતું હતું. બાદમાં પાર્સલો કમ્પાઉન્ડમાં ઉતારતા હતા. પાર્સલો પછડાય તોપણ અંદર સંતાડેલ બોટલો તૂટતી નહીં. કેમકે બોટલોને બબલ કોથળીઓથી પેક કરવામાં આવતી હતી. તેમજ કેમીકલ પાઉડરનાં સીલબંધ પીપ કોઈ ખોલે તો કેમિકલની તીવ્ર દુર્ગંધ મારતી. જેથી કરીને કોઈને અંદર દારૂ હોવાનો પણ અંદાજો આવતો નહીં. એટલે પાડોશીઓને પણ પાર્સલોની આડમાં દારૂ ઉતરી રહ્યો હોવાની ગંધ સુદ્ધાં આવતી નહીં.
બીજી તરફ સાંતેજ પોલીસ દ્વારા પોતાની હદ વિસ્તારમાં આવેલા ગોડાઉનો અંગે છાસવારે ચેકીંગ શરૂ કરાયું હતું. ઉપરાંત પોલીસ આંતરે દિવસે તમામ સોસાયટીઓમાં ફરજ બજાવતા સિક્યુરિટી ગાર્ડસની વિગતો એકઠી કરી રહી હતી. જે મુજબ પોલીસ કનકધારા બંગલોમાં પણ આંટાફેરા મારતી રહેતી હતી. આમ પોલીસ સોસાયટીના ગેટ સુધી આવી પહોંચી હોવાથી ધર્મેશ અને તેની પત્ની નેહા અમદાવાદ રહેવા જતા રહ્યા હતા. જો કે અહીં દારૂનો સંગ્રહ કરી વાદળી રંગની થેલીમાં અલગ અલગ પાર્સલો તૈયાર કરીને જેતે સ્થળોએ સપ્લાય કરવાનું ચાલુ રાખ્યું હતું.
આ અંગે વિશ્વસનીય પોલીસ સૂત્રોએ કહ્યું હતું કે, મુખ્ય સૂત્રધાર જીગ્નેશ ઉર્ફે સ્કોચ મોટા ગજાનો બુટલેગર છે. જે અમદાવાદ સહિતના વિસ્તારોમાં મોંઘીદાટ દારૂની બોટલો સપ્લાય કરવા માટે પંકાયેલો છે. જેનાં વિરુદ્ધમાં અત્યારસુધી 30થી વધુ ગુના પોલીસ ચોપડે નોંધાઈ ચૂક્યા છે. જીગ્નેશ મોટાભાગે સ્કોચની બોટલો તેના ગ્રાહકોને સપ્લાય કરતો હોવાથી તેનું ઉપનામ “સ્કોચ” પડી ગયું છે. જે એક બે નહીં 10 લાખથી વધુની કિંમતનો દારૃ સંગ્રહ કરી વેચતો હોવાનું સામે આવ્યો છે. જીગ્નેશ પકડાયા પછી દારૃનાં જથ્થાની આગળની લાઈન બહાર આવશે. હાલમાં ચારેય આરોપીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. જેમને ઝડપી પાડવા અલગ અલગ પોલીસ ટીમને એક્ટિવ કરાઈ છે.