અમદાવાદની જાણીતી ગાયનેક હોસ્પિટલનાં ડોકટરનાં ગાંધીનગરના ભાટ ગામની સીમમાં આવેલા ઈશ્વરશાંતિ ફાર્મ હાઉસમાં ત્રાટકીને બે તસ્કરોએ લોકર તોડીને અંદરથી કુલ રૂ. 13 હજાર 685ની કિંમતની પોઈન્ટ – 22 બોરની લાઈસન્સ વાળી રિવોલ્વર તેમજ 50 નંગ કાટ્રીઝ ચોરીને અંજામ આપ્યો છે. આ અંગે ડોક્ટરની ફરીયાદના આધારે અડાલજ પોલીસે સીસીટીવી કેમેરામાં કેદ થયેલા બે તસ્કરોની ભાળ મેળવવા અલગ અલગ ટીમોને ચારે દિશામાં એક્ટિવ કરી છે.
નવરાત્રીનો તહેવાર પૂર્ણ થતાં દશેરાનું મુહૂર્ત કરીને તસ્કરોએ ગાંધીનગરમાં ઘરફોડ ચોરીને અંજામ આપવાની શરૂઆત દીધી છે. મોબાઈલ અને વાહન ચોરીનાં છૂટા છવાયા બનાવોની વચ્ચે ઘરફોડ ચોરીના ગુના આચરી તસ્કરો તરખાટ મચાવી રહ્યા છે. અમદાવાદ નારણપુરાની રંજન સોસાયટી વિભાગ- 2 માં રહેતા સૌમીલભાઇ ભીખાભાઇ પટેલ સુભાષબ્રીજ સર્કલ આર.ટીઓ અમદાવાદ ખાતેની જાણીતી હોસ્પિટલ ખાતે પ્રેક્ટિસ કરે છે. જેમના 69 વર્ષીય પિતા ડો. ભીખાભાઇ પટેલ પણ ગાયનેક ડોક્ટર તરીકે આજ હોસ્પીટલમાં ફરજ બજાવે છે. જેમની પાસે પોઇન્ટ – 22 બોર લાઈસન્સ વાળી રિવૉલ્વર તેમજ કાર્ટિઝ નંગ 50 તેમજ જીએસટી છે. આશરે એકાદ મહિના અગાઉ રિવોલ્વર, કારટ્રીઝ, જીએસટી તેમના ભાટ ગામની સીમમાં આવેલા ઈશ્વર શાંતિ ફાર્મમાં હાઉસમાં બેડરૂમની ગોદરેજની તિજોરીમાં મૂકી હતી. અહીં ચોકીદાર તરીકે મોતીલાલ દેવાસી તથા તેની પત્ની મેનાબેન સાથે છેલ્લા ચારેક વર્ષથી નોકરી કરે છે.
આજરોજ વહેલી સવારે ચોકીદારે ડોકટર સૌમીલભાઇને ફોન કરીને જાણ કરેલી કે, રાત્રીના બાજુની સોસાયટીમાં બુમાબુમ થતા તે જાગી ગયો હતો. અને ફાર્મ હાઉસમાં તપાસ કરતાં મકાનનો મેઈન દરવાજાના એલ્યુમિનિય સેક્સનનો લોકર – હેન્ડલ તૂટેલ હતા. આથી અંદર જઈને જોતા મકાનમાં બધી વસ્તુઓ વેરણછેરણ પડેલ હતી. આ સાંભળી ડોક્ટર પિતા પુત્ર ઘરેથી ઉક્ત ફાર્મ હાઉસ પર દોડી આવ્યા હતા. એ અરસામાં ચોકીદારે પોલીસને પણ ફોન કરીને બોલાવી લીધી હતી. બાદમાં ફાર્મ હાઉસમાં વધુ તપાસ કરવામાં આવતાં તિજોરીનું લોકર તોડીને અંદરથી રિવોલ્વર, કાટ્રીઝ નંગ -50 ચોરી થયાનું માલુમ પડયું હતું. જેનાં પગલે પોલીસે ફાર્મ હાઉસના સીસીટીવી કેમેરા ચેક કરતાં બે તસ્કરો ચોરી કરતા કેદ થયેલા જોવા મળ્યા હતા. આ બનાવની ગંભીરતા પારખીને અડાલજ પીઆઈ એસ આર મુછાળ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને વધુ તપાસનો દોર શરૂ કર્યો છે.