અમદાવાદ
પાલનપુર ખાતે બ્રિજ તૂટી પડવાની ગંભીર દુર્ઘટના જેમાં બે વ્યક્તિઓએ જીવ ગુમાવવો પડ્યો છે તેમ છતાં તંત્ર દરેક દુર્ઘટના પછી “સબ સલામતના દાવા” અને “ચમરબંધીને છોડવામાં નહિ આવે” તેવી મોટી મોટી વાતો કરી રહી છે. ભાજપ સરકારના ભયમુક્ત ભ્રષ્ટાચારના કારણે દુર્ઘટનામાં ભોગ બનેલ નિર્દોષ નાગરીકોના પરિવારને સાંત્વના પાઠવવા અને દુર્ઘટનામાં ભોગ બનનાર પરિવારને ન્યાય મળે તેવી માંગ સાથે કોંગ્રેસ પક્ષનું પ્રતિનિધિ મંડળ તારીખ ૨૮ ઓક્ટોબર, શનિવારના રોજ બપોરે ૦૧:૦૦ કલાકે કલેકટરને રૂબરૂમાં રજૂઆત કરશે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પાલનપુર બ્રીજ દુર્ઘટનામાં ભોગ બનેલ પરિવાર પ્રત્યે સહાનભૂતિ વ્યક્ત કરીને આધાર ગુમાવનાર પરિવારને ન્યાય મળે અને જવાબદાર સામે કડક પગલા ભરવા માંગ કરી છે આ પ્રકારની ગંભીર દુર્ઘટના રોકવા જાહેર બાંધકામની ગુણવત્તા, જાળવણી માટે સરકાર ભ્રષ્ટાચારી વ્યવસ્થા માંથી બહાર આવે જેથી આવી વારંવાર દુર્ઘટના અટકાવી શકાય. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અને ધારાસભ્ય જીગ્નેશ મેવાણી, પૂર્વ સાંસદ અને સંગઠન પ્રદેશ પ્રભારી અલ્કાબેન ક્ષત્રીય, મુકેશભાઈ દેસાઈ, ભચાભાઈ આહીર, ધારાસભ્ય ગેનીબેન ઠાકોર, અમરતજી ઠાકોર, કાન્તીભાઈ ખરાડી, જીલ્લા કોંગ્રેસના પ્રમુખ ભરતસિંહ વાઘેલા, પૂર્વ ધારાસભ્ય મહેશ પટેલ, શીવાભાઈ ભુરીયા, બનાસકાંઠા જીલ્લા મહિલા કોંગ્રેસના પ્રમુખ આશાબેન રાવલ સહીતના આગેવાનો મૃતકના પરિવારોને રૂબરૂ મળીને સાંત્વના પાઠવશે અને પરિવારને ન્યાય માટે સંપૂર્ણ લડતમાં જોડાશે.