પ્રધાનમંત્રી મોદી મણીપુરના મુખ્યમંત્રીને કેમ બદલા તૈયાર નથી ?ગુજરાત કોંગ્રેસ દ્વારા ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલને મણીપુરથી આવેલ માટી કુરિયર દ્વારા મોકલવામાં આવી,ગુજરાતની સાથે આ માટીને પણ દિલ્હી મોકલવામાં આવે
અમદાવાદ
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કો-કન્વીનર અને પ્રવક્તા હેમાંગ રાવલ, પ્રવક્તા પાર્થીવરાજસિંહ કઠવાડીયા, શ્રી હિરેન બેંકર, નિશાંત રાવલે સંયુક્ત પ્રેસ વાર્તામાં પત્રકારોને સંબોધન કરતા જણાવ્યું હતું કે, મેરી મીટ્ટી મેરા દેશ અંતર્ગત ભારતીય જનતા પાર્ટી દ્વારા આખા દેશના અને ગુજરાતના તમામ જીલ્લાઓમાંથી માટી ભેગી કરાઈ રહી છે પરંતુ મણીપુરની માટી અને મણીપુરની અવગણના કરવામાં આવી રહી છે. મણીપુર પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા મણીપુરની માટી ગુજરાતમાં કુરીયર દ્વારા મોકલવામાં આવેલ છે. ગુજરાત કોંગ્રેસ દ્વારા ભારતીય જનતા પાર્ટી પ્રમુખ સી.આર. પાટીલને મણીપુરથી આવેલ માટીના કળશને કુરીયરના માધ્યમ દ્વારા મોકલેલ છે અને અપેક્ષા રાખીએ કે આ મણીપુરની માટી “મેરી મીટ્ટી મેરા દેશ” અંતર્ગત સ્વિકારવામાં આવે તથા ગુજરાતની સાથે આ માટીને પણ દિલ્હી મોકલવામાં આવે.
મણીપુરમાં મહિલાને નિર્વસ્ત્ર કરીને જાહેરમાં કરેલ બર્બરતા પૂર્ણ કૃત્ય ત્યારબાદ થયેલા સામૂહિક બળાત્કારના પાશવી કૃત્ય બાબતે કડકમાં કડક પગલા લઈ દોષીતોને સજા થાય તથા ૧૮૦ દિવસ કરતા વધુ દિવસથી ચાલી રહેલી હિંસા રોકવામાં નિષ્ફળ ગયેલી રાજ્ય તથા કેન્દ્રની ભાજપ સરકારને પદભ્રષ્ટ કરવાની માંગ સાથે સમગ્ર દેશ ચિંતામાં છે. પણ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર આ અંગે તદ્દન ઉદાસીન છે. કેટલાક વાઈરલ થયેલા છે જેમાં રાક્ષસો બે મહિલાઓ સાથે એવા કૃત્યો કરી રહ્યા છે જેવા કોઈ હિંસક પશુ પણ ન કરે. આ દાનવોને માનવ ગણવા એ પણ માનવતાનું અપમાન છે.મણીપુરમાં જે રીતે અવિરત હિંસા અટકવાનું નામ નથી લેતી. જ્યાં મણીપુરના મુખ્યમંત્રીને મણીપુરને અશાંત રાજ્ય જાહેર કરવું પડ્યું તેમ છતાં આ મુખ્યમંત્રીને ભારતીય જનતા પાર્ટી દ્વારા નિષ્કાસીત કરવામાં આવતા નથી. ગુજરાતમાં બે વાર મુખ્યમંત્રી બદલાય, કર્ણાટકમાં બે વાર મુખ્યમંત્રી બદલાય, ઉત્તરાખંડમાં ત્રણ વાર મુખ્યમંત્રી બદલાય તો પ્રધાનમંત્રી મોદી મણીપુરના મુખ્યમંત્રીને કેમ બદલા તૈયાર નથી ? મણીપુરમાં ૬૫૦૦ થી વધુ ઘરો સળગ્યા છે. ૭૦૦૦ થી વધુ પોલીસ એફ.આઈ.આર. થઈ છે. સાથે સાથે ભાજપના કેન્દ્રીય મંત્રીનું પણ ઘર સળગ્યું છે. ૫૦૦૦ થી વધારે હથીયારોની પોલીસ સ્ટેશનોમાંથી લુંટ થાય છે. ૬ લાખ થી વધુ બુલેટ તોફાનીઓના હાથમાં આવી ગયા છે અને ૬૫ હજાર થી વધુ આદિવાસી દેશવાસીઓ ઘરવિહોણા થઈ ગયા છે. આટલી ગંભીર પરિસ્થિતિ હોવા છતાં પણ ગુજરાત ભારતીય જનતા પાર્ટી મણીપુર અથવા મણીપુરની માટી વિશે બોલવા તૈયાર નથી. આજે મણીપુરમાં ઈઝરાયલ-પેલેસ્ટાઈનના યુદ્ધ કરતા પણ ગંભીર પરિસ્થિતિ છે તેનું નિરાકરણ લાવવું દેશ માટે ખુબ જ અગત્યનું છે.
જેથી આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ભારતીય જનતા પાર્ટી પ્રમુખ સી.આર. પાટીલને મણીપુર થી આવેલ માટીને કમલમમાં મોકલવામાં આવેલ છે. આશા છે કે ભાજપના અધ્યક્ષ આ માટીને સ્વિકારીને મણીપુરની માટીને દિલ્હી અમૃતવનમાં મોકલીને મણીપુર દેશનું એક અમૂલ્ય રાજ્ય છે તે પ્રસ્થાપિત કરશે.