પીએમ મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા છે. આજે તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજના ખબર અંતર પૂછ્યા હતા અને સૌ સદસ્યોને હૂંફ અને બળ પૂરું પાડી અનુજનો જુસ્સો વધાર્યો હતો.
આજે દેશના જનપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે મારા સુપુત્ર અનુજના ખબરઅંતરની પૃચ્છા કરી હતી, ઉપરાંત પરિવારના સૌ સદસ્યોને હૂંફ અને બળ પૂરું પાડી અનુજનો જુસ્સો વધાર્યો હતો. આ ક્ષણે માનનીય પ્રધાનમંત્રીશ્રીનો અંતઃકરણપૂર્વક આભારી છું.@narendramodi pic.twitter.com/c3iXoIO2V8
— Bhupendra Patel (@Bhupendrapbjp) October 30, 2023
અનુજ પટેલ છેલ્લા છ મહિનાથી બીમાર હાલતમાં છે અને બ્રેઇન સ્ટ્રોકની અસરના કારણે મુંબઇ ખાતેથી સારવાર લઈ પરત ફર્યા છે. મુખ્યમંત્રીએ ટ્વીટ કરી સાંત્વના પાઠવવા બદલ પીએમનો આભાર વ્યક્ત કર્યો હતો.
અંબાજીમાં દર્શન કર્યા બાદ તેમણે મહેસાણાના ડભોડા ખાતે જનસભાને સંબોધી હતી. જનાસભા સ્થળે તેઓ સીએમ ભુપેન્દ્ર પટેલ સાથે ખુલ્લી જીપમાં સવાર થઈને આવ્યા હતા. પીએમ મોદીએ કહ્યું, પહેલા ઉત્તર ગુજરાતમાં પાણીની સમસ્યા હતી. ઉત્તર ગુજરાતમાં પાણીની સમસ્યા ભૂતકાળ બની, ઉત્તર ગુજરાતનું જીવનધોરણ બદલવાનો સંકલ્પ કર્યો. ગુજરાત ઓદ્યોગિક વિકાસ તરફ આગળ વધ્યું છે. સુજલામ સુફલામ યોજનાને ઉત્તર ગુજરાતે સફળ બનાવી છે. ઉત્તર ગુજરાતમાં આજે ટપક અને સુક્ષ્મ સિંચાઈથી ખેતી થઈ રહી છે. નવી ટેકનોલોજીનો ઉત્તર ગુજરાતમાં ભરપૂર ઉપયોગ થાય છે. હવે ખેડૂત રોકડીયા પાક લેવા લાગ્યો છે, કોરોના પછી હળદર અને ઈસબગુલની દુનિયામાં ચર્ચા થઈ રહી છે. ગુજરાતની ડેરીઓનું સંચાલન માતાઓના પરિશ્રમથી છે. સારામાં સારી સેવા આપવાનું કામ થયું છે. બનાસ, સાબર અને દુધ સાગર ડેરીનો વિસ્તાર થયો છે. દુનિયાભરના લોકો આજે આપણી ડેરીનું મોડલ જોવા આવે છે, કોરોનામાં વેક્સિન આપી લોકોને સુરક્ષિત કરાયા હતા. હવે દૂધની સાથે ગોબરનું વેચાણ થઈ રહ્યું છે. ગોબરમાંથી વીજળી બનાવવા તરફ કામ થઈ રહ્યું છે. દિવસ રાત વિકાસ કાર્યો ચાલે છે, ઉત્તર ગુજરાતમાં આજે ઉદ્યોગોની વણઝાર છે. હવે બહારથી લોકો રોજગાર માટે ઉત્તર ગુજરાતમાં આવતા થયા છે.