અત્યાર સુધી આપણે એવું તો સાંભળ્યું જ છે કે લોકોએ કાગળ ઉપર ખોટા બીલ રજૂ કર્યા હોય, પણ છોટાઉદેપુર જિલ્લામાં તો આખેઆખી સરકારી કચેરી જ કાગળ ઉપર હતી અને એ પણ આજકાલથી નહીં છેલ્લા બે વર્ષથી. સરકારની પ્રાયોજના કચેરી પાસેથી 2 વર્ષની અંદર કાર્યપાલક ઈજનેર બનીને સિંચાઈ પ્રોજેક્ટના નામે બે વ્યક્તિઓ મેળાપીપણામાં ખુલ્લેઆમ ગ્રાન્ટ મેળવે છે.
આ ગ્રાન્ટ પણ હજાર કે લાખ નહીં પણ કરોડોની છે. સરકારી કચેરી જેવા જ ખોટા કાગળ બને છે, ખોટા સહી સિક્કા થઈ જાય છે અને સમયાંતરે ગ્રાન્ટ પાસ પણ થતી જાય છે.
આમ કરતા કરતા સરકારને 4 કરોડ 15 લાખથી વધુનો ચુનો લાગી જાય છે. બે આરોપી ભલે ગિરફતમાં આવી ગયા પણ એ સવાલ ઉપસ્થિત થયા વગર ન રહે કે આટલી હદે લોલમલોલ કોની રહેમનજર હેઠળ ચાલતી હતી. આખી સરકારી કચેરી જ કાગળ ઉપર ઉભી થઈ ગઈ અને કોઈનું ધ્યાન પણ ન ગયું. એક સામાન્ય માણસને બિલ મુકીને રૂપિયા મેળવવા હોય તો સરકારી કચેરીમાં તેની શું સ્થિતિ થાય છે તે કહેવાની જરૂર નથી ત્યારે બે મળતીયાઓ ખુલ્લેઆમ ખોટી કચેરી ઉભી કરીને 4 કરોડના બિલ પાસ કરાવી ગયા તેનો કાન કઈ રીતે આમળશો?. કાગળ ઉપર ખોટી કચેરી ઉભી કરી દેનાર આરોપીઓના આકાઓ કોણ છે.
છોટાઉદેપુરમાં કાગળ ઉપર જ સરકારી કચેરી બનાવી દેવાઈ હતી. કાર્યપાલક ઈજનેર સિંચાઈ પ્રોજેક્ટ નામે ખોટી કચેરી બનાવી દેવાઈ હતી. આદિજાતિ વિભાગની પ્રાયોજના કચેરીમાંથી કરોડોની ગ્રાન્ટ પણ મળતી હતી.સંદિપ રાજપૂત અને અબુ બકર નામના આરોપીઓની ધરપકડ કરી છે. સંદિપ રાજપૂત પોતાને કાર્યપાલક ઈજનેર તરીકે ઓળખાવતો હતો. 26 જુલાઈ 2021થી કૌભાંડ આચરવામાં આવતું હતું.
સિંચાઈ પ્રોજેક્ટ બોડેલીના નામથી ખોટી કચેરી ઉભી થઈ ગઈ. બે વર્ષમાં 93 જેટલા કામ પણ મેળવી લેવાયા હતા. 4 કરોડ 15 લાખથી વધુ રકમની ઉચાપત થઈ ગઈ હતી. સરકારી વિભાગો સાથે વાતચીત માટે નકલી સિક્કા અને સહીઓનો પણ ઉપયોગ કર્યો. સરકાર તરફથી ઈ-પેમેન્ટ મારફતે નાણા પણ મળ્યા. 2 વર્ષમાં 71 કામની ફાઈલ પાસ કરવામાં આવી. કોન્ટ્રાક્ટર અબુ બકર સૈયદ અને સંદીપ બંને સાથે મળીને કામ કરતા હતા. નકલી ઓફિસર બનીને સંદિપ કામ ફાળવતો હતો. સંદીપને કલેક્ટર ઓફિસ પણ મોકલવામાં આવ્યો છે.
પ્રાયોજના કચેરીના વહીવટદારનું મીડિયા સમક્ષ મૌન સેવી રહ્યા છે. ત્યારે 4 કરોડ 15 લાખથી વધુની ઉચાપત, એક હરફ ન ઉચ્ચાર્યો હતો. નકલી કચેરી અંગે નિવેદન આપવા ઈન્કાર કરી રહ્યા છે.
બે આરોપીની ધરપકડ કરી છે. તેમજ જિલ્લા પોલીસવડાએ વધુ તપાસ માટે SITની રચના કરી છે. આરોપીના ઘરેથી કેટલાક દસ્તાવેજ મળ્યા છે. તેમજ કોમ્પ્યુટર અને CPU પોલીસે જપ્ત કરી તપાસ હાથ ધરી છે. તેમજ બેંકમાંથી કોના ખાતામાં રૂપિયા ટ્રાન્સફર થયા તેની તપાસ થશે. સિંચાઈ વિભાગના અન્ય કર્મચારીઓ સંકળાયેલા છે કે નહીં તે બાબતે પણ પોલીસ તપાસ કરશે.