વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરદાર પટેલ જયંતિ નિમિત્તે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પહોંચીને તેમને શ્રદ્ધાંજલિ અર્પી હતી.તેના પછી રાષ્ટ્રીય એક્તા દિવસમાં ભાગ લેતા તેમણે વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે આતંકવાદીઓ માટે અડધી રાત્રે કોર્ટના દરવાજા ખોલાવનારાઓ દેશનું શું ભલું કરી શકવાના.
આ દિવસે તેમણે જણાવ્યું હતું કે કોઈપણ દેશના વિકાસમાં અવરોધક હોય તો તે તુષ્ટિકરણની રાજનીતિ છે. તેમણે જણાવ્યું હતું કે તુષ્ટિકરણનું રાજકારણ રમનારા દેશના દુશ્મનો છે. તેઓ તુષ્ટિકરણના રાજકારણમાં એટલા ઊંડે ઉતરી જાય છે કે માનવતાના દુશ્મનો સાથે પણ ઊભા રહેવામાં તેમને સંકોચ નડતો નથી. તેઓ આતંકવાદીઓ બચાવવા માટે આંદોલન કરવા સુધી ઉતરી જાય છે. આજે આતંકવાદ સામે આકરી કાર્યવાહીના પગલે આપણો દેશ સુરક્ષિત છે, જ્યારે તેને પોષણ આપનારું વિશ્વ સળગી રહ્યું છે. તેમણે જણાવ્યું હતું કે તુષ્ટિકરણનું રાજકારણ ફક્ત સમાજને નહી, દેશને પણ લઇ ડૂબે છે.
રાષ્ટ્રીય એક્તા દિવસની પરેડમાં સીમા સુરક્ષા દળના જવાનો અને રાજ્ય પોલીસની વિવિધ ટુકડીઓ જોડાઈ હતી. તેમણે જણાવ્યું હતું કે દેશની વિકાસકૂચમાં સૌથી મોટી અવરોધક હોય તો તે તુષ્ટિકરણની રાજનીતિ છે. ભારતનો છેલ્લા દાયકાનો ઇતિહાસ તે વાતનો સાક્ષી છે કે તુષ્ટિકરણ કરનારઓને ક્યારેય આતંકવાદ, તેની ભયાનકતા અને ભયંકરતા સમજાતી જ નથી.
તેમણે જણાવ્યું હતું કે તુષ્ટિકરણમાં એટલા અંધ હોય છે કે માનવતાના દુશ્મનો સાથે પણ ઊભા થઈ જાય છે. તેઓ તુષ્ટિકરણના રાજકારણના લીધે દેશવિરોધી તત્વો સામે આકરી કાર્યવાહી કરવાનું ટાળે છે. આ રીતે સમાજ કે દેશનું ભલુ કઈ રીતે થઈ શકે. સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યાને પાંચ વર્ષ પૂરા થઈ ગયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીનું ઉદઘાટન 31 ઓક્ટોબર 2018ના રોજ કર્યુ હતુ અને આજે તે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે. તેની ઊંચાઈ 182 મીટર છે.