અમરેલી જિલ્લાના સાવરકુંડલામાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. અહીં લોકોને લોભામણી લાલચ આપીને લૂંટી લેવામાં આવ્યા છે. સસ્તા ફર્નિચરની લાલચમાં ઘણાં લોકો પૈસા આપીને છેતરાઈ ગયા છે.
હાલમાં ગુજરાતમાં ભેજાબાજોની અનોખી લૂંટના ઘણાં કિસ્સાઓ સામે આવ્યા છે.ખાસ કરીને લોકોને છેતરીને પૈસા ગપચાવી ફરાર થઈ જવાની ઘણી ઘટનાઓ પોલીસ ચોપડે પણ ચડવા પામી છે ત્યારે આવી જ એક ઘટના હવે સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લામાંથી સામે આવી છે. અહીં લોકોએ સસ્તા ફર્નિચરની લાલચમાં પોતાના લાખો રૂપિયા ગુમાવ્યા છે અને ચેન્નાઈના કરૂબાજ લોકોની ગેંગ સેંકડો લોકોના કરોડો રુપિયાનું ફુલેકું ફેરવીને ફરાર થઈ ગઈ છે. ગોલ્ડ સ્ટાર હોમેનિક ઓર્ડર સપ્લાયર્સ નામની પેઢીના સંચાલકો લોકોના પૈસા ખંખેરી ફરાર થઈ ગયા હતા.
આ ઘટનાની માહિતી પ્રમાણે અમરેલી જિલ્લાના સાવરકુંડલા ખાતે ચેન્નાઈના અમુક લોકોએ એક સસ્તા ફર્નિચરનો મોટો શો રૂમ ખોલ્યો હતો. જેમાં ટીવી, સોફાસેટ, ઈલેક્ટ્રોનિક આઈટમો જેવી વસ્તુઓ રાખીને લોકોને વેચવામાં આવતી હતી. અહીં એક સ્કીમ રાખવામાં આવી હતી જેમાં ઘણાં લોકો ભોળવાઈને ફસી ગયા હતા. અહીં વેચાણની સામગ્રીઓની કિંમત બજારભાવ કરતા ઘણી ઓછી રાખવામાં આવતી હતી, પરંતુ શરત એ હતી કે ખરીદનાર પહેલા પૈસા આપે ત્યારે તેને તરત સામાનની ડિલિવરી મળતી નહોતી, સામાનની ડિલિવરી 12 દિવસે આપવામાં આવતી હતી. જેથી ખરીદનાર ગ્રાહકે પોતે ખરીદેલા સામાન માટે 12 દિવસ રાહ જોવી પડતી હતી. આ પ્રકારની મોડસ ઓપરેન્ડી સાથે આ ચેન્નાઈની ગોલ્ડ સ્ટાર પેઢીએ સેંકડો લોકોને લૂંટી લીધા હતા. થોડા દિવસો સુધી આવી રીતે ધંધો કરી પોતાની શાખા બાંધીને ઘણાં કસ્ટમર્સ પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવી લીધા હતા અને પછી ફરાર થઈ ગયા હતા.
ઉલ્લેખનીય છે કે આ મામલે ઘણાં લોકો લૂંટાયા હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. ખાસ કરીને નાના માણસોના કરિયાવર અને ઈલેક્ટ્રોનિક આઈટમો માટેના પૈસા ખંખેરી ચેન્નાઈની પેઢીના લોકો ફરાર થઈ ગયા છે. આમ સેંકડો લોકોએ પોતાની મહેનતના પૈસા ગુમાવ્યા છે.