દહેગામ તાલુકાના લીહોડા ગામ નજીક નદી કાંઠા વિસ્તારમાં દિપડો દેખાતા આસપાસના ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ઘટનાની જાણ તુરંત જ વન વિભાગને કરવામાં આવતા હાલમાં વન વિભાગ દ્વારા સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. જો કે આ બનાવને લઇ બે વાત સામે આવી છે કોઇ દીપડો હોવાની તો કેટલાક લોકો દીપડો હોવાની વાત કહી રહ્યા છે. વન વિભાગ આ બનાવની જાણ થતા આ વિસ્તારમાં સર્ચ શરુ કરવાની સાથે વાયરલ વિડીયોની તપાસ કરવાની સાથે પ્રત્યક્ષદર્શીની શોધ કરવામાં આવી હતી. જેમાં વાયરલ વિડીયો અન્ય કોઈ જગ્યાનો હોવાનું સામે આવ્યું છે.
દહેગામ તાલુકાના લીહોડા ગામ પાસે પસાર થતી મેશ્વો નદી નજીક આજે એક વાહન ચાલકે કોઈ દીપડા જેવું જંગલીપ્રાણી જોયું હતું. તો બીજી તરફ આ વિસ્તારમાં દીપડો દેખાયો હોવાનો વિડીયો પણ વાયરલ થયો છે. ઘટનાની જાણ ગ્રામજનોને થતા તુરંત જ વન વિભાગને પણ જાણ કરવામાં આવી હતી. જેને પગલે ટીમ દ્વારા હાલમાં સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. દીપડો ક્યાંથી આવ્યો તેની હજી સુધી કોઈ જાણ થઈ નથી. ગામ નજીક દીપડો દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે. જોકે હજી આ લખાય છે ત્યાં સુધી દીપડાની કોઇ ભાળ મળી નથી. વન વિભાગ દ્વારા દીપડાને પકડવા માટે પાંજરું મુકવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી છે. બનેલા ગ્રામજનો દ્વારા હાલમાં પહેરો પણ ભરવામાં આવી રહ્યો છે.
આ અંગે દહેગામ વનવિભાગ કચેરીના આરએફઓ યુ. એન. પટેલ નો સંપર્ક કરવામાં આવતા તેઓએ જણાવેલ કે વનવિભાગની ટીમ સ્થળ પર પહોંચી છે અને સર્ચ કરવામાં આવી રહ્યું છે. વિડીયો અંગે તેમણે જણાવ્યું હતું કે વિડીયોમાં દેખાતું પ્રાણી દીપડો જ છે પરંતુ આ વિડ્યોની ખરાઈ કરવામાં આવતા આ વિડીયો કોઇ અન્ય વિસ્તારનો છે. વધુમાં જણાવેલ કે નદીના પટમાં રેતમાં પંજાના નિશાન સ્પષ્ટ ન દેખાતા હોવાથી કયું પ્રાણી છે તે નક્કી થઈ શક્યું નથી. તેમ છતાં ટીમ ધ્વારા વધુ તપાસ ચાલુ છે.