તહેવારની સિઝન શરૂ થવા જઈ રહી છે. ત્યારે અમદાવાદીઓ ઘી અને પનીર ખરીદતા પહેલા સાવધાન થઈ જજો, કારણ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લેવામાં આવેલા ઘી અને પનીરના સેમ્પલ પૈકી ઘીના 3 અને પનીરનું એક સેમ્પલ સબસ્ટાન્ડર્ડ જાહેર થયું છે.
એટલે કે ઘી-પનીરના નમૂના તપાસમાં ફેલ થયા છે. AMC દ્વારા લેવામાં આવેલા ઘી-પનીરના નમૂના મ્યુનિસિપલ કોર્પોરેશનની લેબોરેટરીમાં સબસ્ટાન્ડર્ડ જાહેર થયા બાદ શહેરમાં અનેક જગ્યાએ સબસ્ટાન્ડર્ડ ચીજવસ્તુઓ વેચાતી હોવાનું પૂરવાર થઈ રહ્યું છે.
દિવાળીના તહેવારોમાં જાહેર આરોગ્યને હાનિ પહોંચાડે તેવા વાસી તથા ભેળસેળયુક્ત ખાદ્યપદાર્થોનું વેચાણ રોકવા કમિશનરની તાકીદ બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું ફૂડ વિભાગ પણ એક્શનમાં આવી ગયું છે. AMCના ફૂડ વિભાગ દ્વારા ઠેર-ઠેર દરોડા પાડવામાં આવી રહ્યા છે અને ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. મનપાના અધિકારીઓ ટીમ બનાવીને ઝોન વાઈઝ ચેકિંગ હાથ ધરી રહ્યા છે.
મનપાની તપાસમાં શહેરના કેટલાક વેપારીઓ નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા હોવાનું સામે આવ્યુ છે. કારણ કે મનપા દ્વારા લેવામાં આવેલા સેમ્પલોમાંથી કેટલાક સેમ્પલો ફેલ ગયા છે. મનપાએ લીધેલા ઘી-પનીરના સેમ્પલ ફેલ સાબિત થયા છે. પ્રાપ્ત વિગતો અનુસાર પાલડી સીએનજી પંપ પાસે આવેલા જલારામ પરોઠા હાઉસમાંથી ફૂડ વિભાગની ટીમે પનીરના સેમ્પલ લીધા હતા. જે મ્યુનિ, પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં સબસ્ટાન્ડર્ડ જાહેર થયા છે.
તો જૂના માધુપુરામાં ટાકાટુકા ટ્રાન્સપોર્ટ પાસે આવેલા એચ.પી ફૂડ્સમાંથી લીધેલ ઘીનું સેમ્પલ પણ સબસ્ટાન્ડર્ડ જાહેર થયું છે. સાથે નિકોલ ગામમાં આવેલ સહજાનંદ ઘી પાર્લરમાંથી લેવામાં આવેલું ઘીનું સેમ્પલ પણ સબસ્ટાન્ડર્ડ જાહેર થયું છે. મેમનગર સુભાષ ચોક પાસે આવેલ શ્રીજી ડેરી પાર્લરનું ઘીનું સેમ્પલ ફેલ થયુ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, મનપાના ફૂડ વિભાગે એક સપ્તાહમાં 411 એકમની તપાસ કરી હતી, જેમાંથી એક હજાર કિલો-લિટર જેટલી બિનઆરોગ્યપ્રદ ખાદ્યચીજોનો નાશ કરવામાં આવ્યો હતો અને 163 એકમને નોટિસ ફટકારી દોઢ લાખથી વધુનો વહીવટી ચાર્જ વસુલ કર્યો હતો.