રાજ્યભરમાં ફરી એકવાર આંદોલનનો દોર શરૂ થઇ શકે છે. દિવાળી બાદ મધ્યાહન ભોજનના કર્મચારીઓ પણ રાજ્ય સરકાર સામે લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે. મધ્યાહન ભોજનના કર્મચારીઓ પોતાના માનદ વેતનમાં વધારા માટે દિવાળી બાદ આંદોલન કરે તેવા એંધાણ જોવા મળી રહ્યા છે. ઓલ ગુજરાત મધ્યાહન ભોજનની બેઠકમાં આ નિર્ણય લેવાયો છે.
દિવાળી વેકેશન બાદ રાજ્ય સરકાર સામે કપરાં ચઢાણ જોવા મળી રહ્યા છે, કારણ કે રાજ્યમાં વધુ એક આંદોલન જોવા મળી શકે છે. મધ્યાહ્ન ભોજન કર્મચારીઓ દિવાળી બાદ લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે. કર્મચારીઓ દિવાળી બાદ પોતાના માનદ વેતનમાં વધારાને લઈ આંદોલન કરશે. આજે ઓલ ગુજરાત મધ્યાહ્ન ભોજન કર્મચારી મંડળની એક બેઠક મળી હતી. મધ્યાહ્ન ભોજન કર્મચારી મંડળના 19 જિલ્લાના આગેવાનો હાજર રહ્યા હતા અને મધ્યાહન ભોજન યોજનાના પડતર પ્રશ્નોને લઈને બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ મધ્યાહન ભોજન કર્મચારીઓની રજૂઆત કરી હતી કે તેમના પ્રશ્નનો વહેલામાં વહેલી તકે સરકાર ઉકેલ લાવે, કેમ કે છેલ્લા ત્રણ મહિનાથી તેમની પારાવાર મુશ્કેલીઓના સામનો કરવો પડતો હતો. આ ઉપરાંત મધ્યાહન ભોજન યોજના સાથે સંકળાયેલા 96 હજાર જેટલા કર્મચારીઓને વેતનને લઇને પણ મુશ્કેલીઓ નડી રહી છે, તેઓનું કહેવું છે કે, સમયસર વેતન પણ ચૂકવાતું નથી.