ગાંધીનગર જિલ્લામાં લૂંટ, ધાડ અને ઘરફોડ ચોરીના ગુનાને અંજામ આપી તરખાટ મચાવનાર દાહોદની ખૂંખાર ખજૂરીયા ચડ્ડી બનીયાનધારી ગેંગનો પર્દાફાશ કરી મુખ્ય સૂત્રધારને દબોચી લઈ લોકલ ક્રાઇમ બ્રાંચ દ્વારા 13 ગુનાનો ભેદ ઉકેલી કાઢવામાં આવ્યો છે. થોડા દિવસો અગાઉ કલોલ મહેસાણા હાઇવે રોડ પર મારુતિનાં નંદા ઓટો મોબાઇલ્સ શોરૂમમાં ઉક્ત ગેંગે સિક્યુરિટી ગાર્ડને બંધક બનાવી ધાડનાં ગુનાને અંજામ આપવામાં આવતા ખુદ એસપી રવિતેજા વાસમ સેટ્ટીએ સ્થળ વિઝિટ કરી ખાસ એક્શન પ્લાન અમલમાં મૂકી એલસીબીની ટીમોને એક્ટિવ કરવામાં આવી હતી.
ગત ઓક્ટોબર મહિનાની 19મીની મોડી રાતના કલોલ – મહેસાણા હાઇવે રોડ ઉપર આવેલ મારૂતી સુઝુકી કંપનીનાં નંદા ઓટો મોબાઇલ્સ શો રૂમમાં પાંચ લોકોની ચડ્ડી બનીયાન ધારી ગેંગે ધાડ પાડી સીક્યુરીટી ગાર્ડને બંધક બનાવી શો રૂમના તાળા તોડી કેશીયર રૂમમાંથી આખેઆખી લોખંડની તીજોરી ઉઠાવી લીધી હતી. આ મામલે કલોલ શહેર પોલીસ મથકમાં રૂ. 6 લાખ 31 હજાર 286 રોકડા, ચાંદીની મુર્તી તેમજ ચાંદીના સીક્કા સહિતના મુદ્દામાલની ધાડનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
આ ગુનાની ગંભીરતા લઇ રેન્જ આઈજી વીરેંદ્રસિંહ યાદવની સૂચનાથી પોલીસ વડા રવિ તેજા વાસમસેટ્ટીએ તાત્કાલિક શોરૂમની વિઝિટ કરી ચડ્ડી બનીયાનધારી ગેંગની ઓળખ પ્રસ્થાપિત કરી લીધી હતી. બાદમાં ખાસ એક્શન પ્લાન બનાવી લોકલ ક્રાઇમ બ્રાંચના પીઆઈ ડી. બી. વાળા અને એચ. પી પરમાર સહિતની ટીમોને એક્ટિવ કરી હતી. જે અન્વયે અગાઉ પકડાયેલ ચડ્ડી બનીયાન ધારી ગેંગના સાગરીતોની ગતિવિધિઓ ઉપર સતત મોનીટરીંગ શરૂ કરવામાં આવ્યું હતું.
આ દરમ્યાન એલસીબીના બંને અધિકારીઓને સંયુક્ત રાહે દાહોદ જિલ્લા ખાતેનાં અંગત આધારભૂત સુત્રોથી માહિતી પ્રાપ્ત થયેલ કે, દાહોદ જીલ્લાની ચડ્ડી બનીયાન ધારી ખજુરીયા ગેંગનો મુખ્ય સુત્રધાર રામસીંગ નરસુભાઇ પલાસ(રહે. લક્ષ્મીકાંટા પાસે, ગોસાઇકુંજ સોસાયટી, રેલ્વેપુર્વ, કલોલ તા.કલોલ જી.ગાંધીનગર મુળ રહે,આંબલી, ખજુરીયા, દાહોદ) લુંટ, ધાડ તેમજ ઘરફોડ ચોરી જેવા ગુનાઓમાં જામીન મેળવીને ફરીથી નવી ગેંગ બનાવી ગાંધીનગરમાં ગુના આચરી રહ્યો છે. જે રાજકોટ શહેર તથા રાજકોટ ગ્રામ્ય જીલ્લાઓમાં ઘરફોડ ચોરીના ગુનાઓમાં નાસતો ફરી રહ્યો છે.
આ અંગે એસપી રવિ તેજા વાસમ સેટ્ટીએ કહ્યું હતું કે, ઉક્ત ગેંગનો મુખ્ય સૂત્રધાર રામસીંગ પલાસ કલોલ ખાતે રહી મજુરી કરવાની આડમાં દિવસ દરમ્યાન રેકી કરી રાત્રીના સમયે તેની ગેંગના સાગરીતો બોલાવી લૂંટ, ધાડ, ઘરફોડ ચોરીઓ કરતો હોવાની પાક્કી બાતમી મળી હતી. જેનાં પગલે પોલીસની ટીમોએ મજૂરોનો વેશ પલ્ટો કરી કલોલથી માણસા જતા રોડ ઉપર બ્રીજના છેડે બાપા સીતારામ મંદિર નજીક વોચ ગોઠવી ખુંખાર રામસિંગને ઉઠાવી લીધો હતો. જેણે ઇન્ટ્રોગેશન દરમ્યાન ઘૂંટણિયે ભાગી પડી કબૂલાત કરેલી કે, ખજુરીયા ગામની ચડ્ડી બનીયાન ધારી ગેંગના સાગરીતો વસના ભાવસીંગભાઇ પલાસ,બોડા રામસીંગભાઇ ભાભોર,શૈલેષ ઉર્ફે શીલા માવસીંગભાઇ પલાસ, કબન સબુભાઇ ડાંગી ભેગા મળી ગાંધીનગર જીલ્લામાં રાત્રીના સમયે લૂંટ તેમજ ધાડ તેમજ ઘરફોડ ચોરીના ગુનાઓને અંજામ આપતાં હતાં.
આ ગેંગનો ખૂંખાર મુખ્ય સુત્રધાર રામસિંગ શહેરના છેવાડા વિસ્તારમાં આવેલ ફેક્ટરી, કારખાના, શાળા તેમજ રહેણાંક મકાનોમાં લુંટ, ચોરી કરવા માટે ટાર્ગેટ કરતો હતો. અને ગુનાને અંજામ આપી નાસી છુટવામાં સરળતા રહે એવા છેવાડાના વિસ્તારોમાં પસંદ કરતો હતો. ત્યારબાદ શહેરની બહારના વિસ્તારમાં આવેલ ફેક્ટર, કારખાના, શાળા તેમજ શો રૂમ, મંદિર, રહેણાંક મકાન કે જ્યાથી મોટી રકમ તેમજ દાગીના મળે તેમ હોય તેવી જગ્યાએ ગુનાને અંજામ આપતી વખતે આગલા દિવસ દરમ્યાન રામસિંગ સ્થળની રેકી કરી સાગરીતોને બોલાવી સ્થળથી એકાદ કી.મી. દુર અવાવરૂ જગ્યાએ એકઠા થતા હતા.
બાદમાં મોડી રાતે ચડ્ડી બનીયાન પહેરી રૂમાલમાં બાંધી રૂમાલ કમરે બાંધી હાથમાં ત્રણ ચાર પથ્થર તથા ડીસમીસ, ગણેશીયું, દાંતરડું, ગીલોલ ટોર્ચ બેટરી વિગેરે હથીયારોથી સજ્જ થઇ એક લાઇનમાં વારાફરીથી ગુનાના સ્થળે પહોંચતા હતા. અને આખી ગેંગને લીડ રામસિંગ કરતો હતો. અને ગુનો આચરી અંજામ મુખ્ય સુત્રધાર રામસિંગ કલોલમાં રોકાઇ જતો તેમજ બાકીના સાગરીતો પોતાના વતન તરફ જતા રહેતા હતા. અત્યાર સુધીમાં આ ગેંગ દ્વારા કલોલ શહેર, કલોલ તાલુકા, માણસા અને પેથાપુર પોલીસ સ્ટેશનની હદમાં ધાડ, લૂંટ, ઘરફોડ ચોરીનાં કુલ – 9 ગુનાને અંજામ આપવામાં આવ્યો છે. આ સિવાય સાં તેજ અને કલોલ તાલુકામાં બીજા ચાર ઘરફોડ ચોરીના નિષ્ફળ પ્રયાસો કર્યા છે. મુખ્ય સૂત્રધાર રામસિંગ રાજકોટ શહેર – ગ્રામ્યનાં ત્રણ ગુનામાં વોન્ટેડ છે. તેમજ ખેડા અને અમદાવાદ ગ્રામ્ય પોલીસ મથકોમાં પણ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. હાલમાં કુલ – 13 ગુનાનો ભેદ ઉકેલી કાઢી અન્ય વોન્ટેડ આરોપીઓને પકડી પાડવા પોલીસની અલગ અલગ ટીમોને એક્ટિવ કરવામાં આવી છે.