છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણી ચાલી રહી છે. લોકો મતદાન માટે ઉમટી પડ્યા છે. કોંગ્રેસ અને ભાજપ બંને પોતાની સત્તા મેળવવા માટે એડીચોટીનું જોર લગાવી રહી છે. છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી રમન સિંહે ભાજપની બહુમતીથી સરકાર બનતી હોવાનો દાવો પણ કર્યો છે.રમન સિંહ આજે છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીના દિવસે કાળી માતાના મંદિરે પૂજા કરવા ગયા હતા.
જ્યાંથી તેમણે કહ્યું કે, ‘આજે અમે કાળી માતાના દરબારમાં આવ્યા અને છત્તીસગઢમાં પૂર્ણ બહુમત વાળી ભાજપની સરકાર બને તેવી કાળી માતાને પ્રાર્થના કરી. ભારતીય જનતા પાર્ટી આગામી દિવસમાં સુશાસન આપશે, અને શાંતિ તથા સમૃદ્ધિ અને વિકાસની દિશામાં આગળ વધશું.’
છત્તીસગઢમાં કયા મુદ્દાઓ પર તમે ચૂંટણી લડી રહ્યા છો? સવાલના જવાબમાં રમન સિંહે કહ્યું કે, ‘વિકાસનો મુદ્દો છે, ભૂપેશ બઘેલના ભ્રષ્ટાચારનો મુદ્દો છે, અને કોંગ્રેસે વિકાસ રોક્યો હોવાનો મુદ્દો છે.’ તેમણે વધુમાં કહ્યું કે રાજસ્થાનની સાથે જ આ વખતે છત્તીસગઢમાં પણ ભાજપની સરકાર બનશે.
ઉલ્લેખનીય છે કે છત્તીસગઢમાં બપોરે 1 વાગ્યા સુધીમાં 44.55% મતદાન નોંધાયું છે. કાંકરેજ જિલ્લાની ભાનુપ્રતાપપુર સીટ પર સૌથી વધુ 61.83% અને કાંકેરમાં 61.8% મતદાન થયું છે. આ દરમિયાન સૌથી ઓછું મતદાન બીજાપુરમાં 20.09% અને સુકમાની કોંટા સીટ પર 30.27% મતદાન નોંધાયું છે. સુકમા અને બીજાપુર બંને છત્તીસગઢના સૌથી દક્ષિણી ભાગમાં છે. આ વિસ્તાર માઓવાદિઓથી અતિ પ્રભાવિત છે.