સુરત અને વલસાડ ખાતેથી અંદાજે રૂા.6.24 લાખથી વધુનો 1,863 કિલોગ્રામ ઘી અને તેલનો શંકાસ્પદ જથ્થો જપ્ત કરાયો છે. ખોરાક અને ઔષધ નિયમન કમિશનર ડો. એચ. જી. કોશિયાએ જણાવ્યું કે, આજે સુરત અને વલસાડ ખાતેથી ખોરાક-ઔષધ નિયમન તંત્રના અધિકારીઓ દ્વારા અંદાજે રૂા. 6.24 લાખથી વધુનો 1,863 કિલોગ્રામ ઘી અને તેલનો શંકાસ્પદ જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આ જથ્થાના વિવિધ 09 જેટલા નમૂના લઇને તેની તપાસ કરવામાં આવી રહી છે. રાજ્યના નાગરિકોની જીવન જરૂરી ખાદ્ય ચીજ વસ્તુઓ શુદ્ધ અને ગુણવત્તાયુક્ત મળી રહે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. રાજ્યમાં ખાદ્યચીજોના નમૂનાનું પરીક્ષણ કરી ભેળસેળ કરતાં તત્વો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી રહી છે.
કમિશનર કોશિયાએ વધુ વિગતો આપતાં કહ્યું હતું કે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, ગાંધીનગર વડી કચેરી દ્વારા દિવાળીના તહેવાર નિમિત્તે દક્ષિણ ગુજરાતમાં તપાસ દરમ્યાન વલસાડ જિલ્લામાં આવેલ મે. શ્રી શિવશક્તિ ઓઈલ મિલ, સ્વામીનારાયણ ગુરુકુળ રોડ, પટેલ ફળિયા, મું. ચાલા, તા: વાપી, જિ.-વલસાડ ખાતેથી તપાસ કરતા પેઢીમાં શંકાસ્પદ જણાતા રાઈના તેલના અને રાઈસ બ્રાન તેલના એમ કુલ-5 નમૂના માલિક નિમેષકુમાર કિશોરભાઈ અગ્રવાલની હાજરીમાં લેવામાં આવ્યા હતા, જયારે બાકીનો 1024.19 કિગ્રા તેલનો જથ્થો કે જેની બજાર કિંમત આશરે રૂ. 2,89,038/- થવા જાય છે તે જપ્ત કરવામાં આવ્યો છે. આ ઉપરાંત તંત્ર દ્વારા મે. સન એગ્રો ફૂડસ, વાઇબ્રન્ટ બિઝનેસ પાર્ક, પ્લોટ નંબર -98, મુ-વાપી, જિ: વલસાડ પેઢીમાં તપાસ કરતા રાયડા તેલ અને રાઈસ તેલનો શંકાસ્પદ જથ્થો મળી આવ્યો હતો. જેના બે નમૂના પેઢીના માલિક નારણભાઈ રામજી નંદાની હાજરીમાં લેવામાં આવ્યા હતા જયારે બાકીનો અંદાજીત 524.38 કિગ્રા જથ્થો કે જેની બજાર કિંમત રૂ. 1,53,000/- થવા જાય છે તે જપ્ત કરવામાં આવ્યો છે તેમ કમિશનરશ્રીએ ઉમેર્યુ હતુ.
તેમણે કહ્યું હતું કે, સુરત કોર્પોરેશન વિસ્તારમાં આવેલ અને સોનાના વરખવાળી મીઠાઈ માટે પ્રચલિત મે. 24 કેરેટ મીઠાઈ મેજિક, ખટોદરા, સુરત ખાતે ઝીણવટભરી તપાસ કરતા ‘વીઆરસી ટેસ્ટ બેસ્ટ દેશી ઘી’ બ્રાન્ડનો શંકાસ્પદ ઘીનો કાયદેસરનો નમૂનો લેવામાં આવ્યો હતો. આ ઘી બાબતે માલિક બ્રિજ કિશોરભાઈ મીઠાઈવાલાને વધુ પૂછપરછ કરતા તેઓએ હોલસેલરનું સરનામું આપ્યું હતું જ્યાં તંત્ર દ્વારા તપાસ કરતા મેં. મિલ્કો ફૂડસ, રામપુરા, સુરત બંધ જોવા મળી હતી. આ પેઢી ઉપર આખી રાત ફૂડ સેફટી ઓફિસરે વોચ રાખીને પેઢીના જવાબદાર વેપારી કપિલ પ્રવિણચંદ્ર મેમ્બર પાસેથી વહેલી સવારે ‘ટેસ્ટ બેસ્ટ દેશી ઘી’ નો નમૂનો તેઓની હાજરીમાં લઇ બાકીનો આશરે 314.2 કિગ્રા જથ્થો કે જેની અંદાજીત કિમત રૂ. 1,82,236/- થવા જાય છે તે જપ્ત કરવામાં આવ્યો છે. હાલમાં તંત્ર દ્વારા આ બાબતમાં ઝીણવટ ભરી તપાસ કરવામાં આવી રહી છે. આ ખાદ્ય પદાર્થ બિન-આરોગ્યપ્રદ હોઈ તેનો પૃથક્કરણ અહેવાલ આવ્યા બાદ કાયદેસરની કોર્ટ કાર્યવાહી કરવામાં આવશે તેમ કમિશનર ડૉ.કોશિયાએ જણાવ્યું હતું.
એક તરફ દિવાળીનો માહોલ ચાલી રહ્યો છે તો બીજી તરફ દિન પ્રતિદિન મીઠાઈઓ અને ખાદ્ય પદાર્થોમાં ભેળસેળનું પ્રમાણ સતત વધી રહ્યું છે. ત્યારે અમદાવાદમાં ડ્રાયફ્રૂટમાંથી નીકળી જીવાત. સાઉથ બોપલના શાલીગ્રામ શોપિંગ સેન્ટરમાં આવેલા માધવ ડ્રાયફ્રૂટની ઘટના બની છે. માધવ ડ્રાયફ્રૂટ નામની દુકાનનો વીડિયો વાયરલ થયો હતો. તો આ તરફ જામનગરમાં પટેલ કોલોનીમાં આવેલી બોમ્બે નમકીનમાંથી ઈયળ નીકળી હતી. ગ્રાહકે ખરીદેલી નમકીનમાંથી ઇયળ નીકળતા હોબાળો થયો હતો.
સાબરકાંઠામાં આરોગ્ય વિભાગે ભેળસેળ અંગે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. ખાદ્યચીજ ઉત્પાદન કરતા વિક્રેતાઓ સામે તપાસ હાથ ધરી છે. સાબરકાંઠામાંથી 35 જેટલા ખાદ્યપદાર્થના નમુના લઇ ફૂડ શાખાએ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. તો બીજી તરફ વડોદરામાં પણ બજારમાંથી ખરીદેલુ લાલ મરચુ સૌથી જોખમી હોવાનો ખુલાસો સામે આવ્યો છે. મનપાએ લીધેલા 30 નમૂનામાંથી લેબની તપાસમાં મોટાભાગના લાલ મરચાના સેમ્પલ ફેલ થયા હતા. તહેવારોમાં નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનારા સામે કાર્યવાહી કરવામાં આવશે.