એવું જરાય નથી કે અમેરિકામાં બધા અમીર અને રૂપિયાવાળા જ હોય છે, ત્યાં પણ તમને સ્લમ વિસ્તાર જોવા મળશે. જેઓ વર્ષોથી અમેરિકામાં રહેતા હોય છે તેમણે ફરવા જતી વખતે આ જગ્યાઓ જોઈ હશે. અમેરિકામાં ગરીબી અંગે જે થોડા મહિનાઓ પહેલા જે આંકડા સામે આવ્યા હતા તે પણ ચોંકાવનારા હતા. અમેરિકામાં ગરીબીમાં લોકો રહેતા હોય તેની પાછળના કેટલાક કારણો પણ છે.
અમેરિકાની એવી ઘણી તસવીરો પણ સામે આવતી રહેતી હોય છે કે જેમાં લોકો પોતાને હોમલેસ ગણાવે છે અને રસ્તા પર જ સૂઈ જતા હોય છે. જેમાંથી કેટલાક તો તેમને આર્થિક મદદ મળી રહે તે માટેની રજૂઆતો પણ કરતા હોય છે. જેઓ અમારી/મારી પાસે રહેવા માટે ઘર નથી, આર્થિક મદદની જરુર છે- તેવા લખાણ સાથે મદદની માગણી કરતા હોય છે. અહીં અમેરિકાના કેટલાક શહેરોની હકીકત છે તેને વર્ણવવામાં આવી છે, જેઓ વર્ષોથી અમેરિકામાં રહેતા હોય તેઓ પણ આ પ્રકારની હકીકતોથી અજાણ હોય છે, અમેરિકામાં ડૉલર કમાવવાનું જેટલું સરળ માનવામાં આવે છે એટલું સરળ જરાય નથી તે તમને અહીં જણાવવામાં આવેલી સ્થિતિ પરથી સ્પષ્ટ થઈ જશે.
અમેરિકામાં કેટલીક જગ્યા પર હોમલેસ લોકો પોતાની કારમાં જ સૂવાની વ્યવસ્થા કરી લેતા હોય છે, જ્યાં ફ્રી પાર્કિંગની વ્યવસ્થા હોય ત્યાં ત્યાં સિંગલ કે પરિવાર સાથે કારમાં રહેતા લોકો જોવા મળી જતા હોય છે. કેલિફોર્નિંયામાં પણ આવી જગ્યા છે કે જ્યાં જેમની પાસે રહેવાની વ્યવસ્થા નથી કે ભાડાનો ખર્ચ મોંઘો પડી રહ્યો છે કે પછી અન્ય આર્થિક કારણ હોય તેઓ ફ્રી પાર્કિંગમાં કારને જ પોતાનું ઘર બનાવી લેતા હોય છે. જ્યારે આ અંગે કોઈ સંસ્થા કે સરકાર સુધી વાત પહોંચે પછી તેમના માટે કેટલીક સુવિધાઓ પણ ઉભી કરવામાં આવતી હોય છે. મોટાભાગના કિસ્સામાં આ પ્રકારની જગ્યાઓ પર રહેતા લોકોની મદદ માટે સ્વૈચ્છિક સંસ્થાઓ આગળ આવતી હોય છે.
આવામાં તેમની મદદ માટે તે જગ્યા પર શેરિંગ કિચન, પોર્ટેબિલ ટોઈલેટ-બાથરૂમ, પીવાના પાણીની વ્યવસ્થા વગેરે સરકાર કે સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા કરવામાં આવતા હોય છે. એવું પણ નથી કે અહીં માત્ર નોકરી ગુમાવી દીધેલા લોકો જ રહેતા હોય એવું નથી હોતું. જેઓ મફતમાં મળતા પાર્કિંગવાળી જગ્યા પર પોતાની ગાડીને જ ઘર બનાવી લેતા હોય છે તેમાં મોટાભાગના નોકરીયાત વર્ગ હોય છે, જેમાં સિક્યોરિટી ગાર્ડ્સ, ડ્રાઈવર, આ સિવાય કોર્પોરેટ સેક્ટરમાં અધિકારી કે કમ્પ્યુટર ટેક્નિશિયન તરીકે કામ કરનારા લોકોનો પણ સમાવેશ થતો હોય છે.