તાજેતરમાં ખાધ ચીજોમાં ભેળસેળ થતી હોવાની ફરીયાદો ઉઠતાં રાજયના નાગરિકોના સ્વાસ્થ્યની ચિંતા કરી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ફૂડ વિભાગને નક્કર કાર્યવાહી કરવાના આદેશો આપવામાં આવ્યા હતા. જેનાં પગલે જિલ્લા ફૂડ વિભાગને મોડે મોડે નગરજનોનાં આરોગ્યની ચિંતા થતાં ખાસ ડ્રાઈવ યોજી હતી.
ફૂડ વિભાગ દ્વારા દિવાળીના અનુસંધાને ગાંધીનગર શહેર તથા જિલ્લાના જુદા જુદા સ્થળોએ મીઠાઈ નમકીન તથા ઘી જેવા ખાદ્ય પદાર્થોની તપાસ હાથ ધરવામાં આવી હતી. દિવાળીના પ્રસંગે લોકો દ્વારા મીઠાઈ નમકીન વગેરેની ખરીદી વધુ પ્રમાણમાં થતી હોય છે, ત્યારે લોકોના સ્વાસ્થ્ય સાથે કોઈ ચેડા ન થાય તેની મોડે મોડે તકેદારી ની ચિંતા રાખી જિલ્લાની મીઠાઈની દુકાનોમાંથી કુલ 123 નમૂના લેવાયા હતાં.
જેમાં મીઠાઈના 37, ફરસાણના 21, તથા ઘી ના 31 જ્યારે મીઠાઈમાં ઉપયોગમાં લેવાતા કાચો માલસામાન જેવો કે દૂધ, તેલ, મસાલા તથા બેકરીની અન્ય ચીજ વસ્તુઓ મળી કુલ 34 નમૂના અલગ અલગ સ્થળેથી લેવામાં આવ્યા હતા. ફૂડ વિભાગના નિયુક્ત અધિકારીના જણાવ્યા અનુસાર આ ડ્રાઈવમાં ફૂડ સેફટી વાન દ્વારા ગાંધીનગર શહેર તથા જિલ્લામાં કુલ 321 જેટલી જગ્યાએ ઓન ધ સ્પોટ ટેસ્ટ કરી ટીપીસી માં ફેલ દર્શાવાયેલ તેલનો આશરે 58 લિટર જેટલો જથ્થો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો.