ગાંધીનગરના તપોવન સર્કલ પાસેના સર્વિસ રોડ ઉપર મોર્નીંગ વોક માટે સાયકલ લઈને નીકળેલા નિવૃત એરફોર્સ જવાનને આશીર્વાદ આપવાના બહાને કારમાં નિર્વસ્ત્ર હાલતમાં બેઠેલા બાવાએ ત્રણ તોલાનું સોનાનું કડું સેરવી લઈ પરચો આપવામાં આવ્યો હતો. હજી નિવૃત જવાન કઈ સમજે એ પહેલાં નાગોબાવો ડ્રાઈવર સાથે કારમાં ફરાર થઈ ગયો હતો. આ અંગે અડાલજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદ સાબરમતી ડી કેબીન ખાતે રહેતા અમરસિંગ ખત્રી ઇન્ડીયન એરફોર્સમાંથી નિવૃત થયા છે. આજરોજ સવારે તેઓ ઘરેથી છ વાગ્યાના અરસામાં મોર્નીંગ વોક અર્થે સાયકલ લઇને નિકળ્યા હતા. અને તપોવન સર્કલ પાસે અર્બન હુક્કાબાર અને મેપલકના સર્વીસ રોડ ઉપરથી પસાર થઈ રહ્યા હતા.
એ વખતે એક સફેદ કલરની કાર અચાનક તેમની પાસે આવીને ઊભી રહી ગઈ હતી. જેમાં શરીરે ભભૂત લગાવેલ નિર્વસ્ત્ર હાલતમાં નાગો બાવો બેઠો હતો. જેનાં ડ્રાઇવરે અમરસિંગને સ્વામિનારાયણ મંદિર જવાનો રસ્તો પૂછયો હતો. એટલે રસ્તો બતાવવા માટે અમરસિંગ ગાડી પાસે પહોંચ્યા હતા.
આ દરમ્યાન પોતે ચમત્કારી બાબા છું. નિર્વસ્ત્ર હાલતમાં બાવાનું સ્વરૂપ જોઈને અમરસિંગ પણ મોહિત થઈ ગયા હતા. એટલે ડ્રાઇવરે બાબાનાં આશીર્વાદ લેવા જણાવ્યું હતું. જેની વાતોમાં આવી અમરસિંગ ગાડીની વધુ નજીક ગયા હતા. અને આશીર્વાદ લેવા નાગાબાવા તરફ જમણો હાથ લંબાવ્યો હતો. જેનો લાભ ઉઠાવી બાવાએ ત્રણ તોલાનું સોનાનું કડું સેરવી લીધું હતું. હજી અમરસિંગ કઈ સમજે એ પહેલાં બંને જણા કારમાં ફરાર થઈ ગયા હતા. આમ પોતાને આશીર્વાદ આપવાના બહાને નાગાબાવાએ પરચો બતાવતા અમરસિંગ અડાલજ પોલીસ મથકે દોડી ગયા હતા.