ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષસંઘવી એ જણાવ્યું છે કે, કર્મચારીઓના હિતને વરેલી રાજય સરકારે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ જેલ પરિવારના સિપાઈ, હવાલદાર અને સુબેદાર જેવા કર્મચારીઓના ભથ્થામાં નોધપાત્ર વધારો કરીને તેમના ઘરે દિવાળી પર્વમાં આનંદનો આવકાર થાય તેવો નિર્ણય કર્યો છે.
ગૃહ રાજ્યમંત્રી શ્રી એ ઉમેર્યું કે, રાજ્ય સરકાર દ્વારા વર્ગ-૩ના કર્મચારીઓ માટે તા.૨૯.૦૮.૨૦૨૨ થી મંજૂર થયેલ ભથ્થા અનુસાર તેજ ધોરણે તે જ તારીખ થી આ લાભ આપવાનો રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે.
તેમણે ઉમેર્યું કે,જાહેર સુરક્ષા પ્રોત્સાહન ભથ્થામાં રાજ્ય સરકારે જે વધારો કર્યો છે તેમાં જેલ સહાયકને અગાઉ અપાતું નહોતું તે હવે રૂ.૩૫૦૦, સિપાઈ વર્ગને અગાઉ રૂપિયા ૬૦ અપાતું હતું તેના બદલે હવે રૂ.૪૦૦૦, હવાલદાર વર્ગને અગાઉ રૂપિયા ૬૦ અપાતું હતું તેના બદલે હવે રૂ.૪૫૦૦, સુબેદાર વર્ગને અગાઉ રૂપિયા ૬૦ અપાતું હતું તેના બદલે હવે રૂ.૫૦૦૦ સુરક્ષા પ્રોત્સાહન ભથ્થું અપાશે.આ ઉપરાંત ફીક્સ પગારના જેલ સહાયકોને રૂ.૧૫૦/- લેખે જાહેર રજાના દિવસે ચૂકવાતા વળતરમાં વધારો કરીને રૂ.૬૬૫/- રજા પગાર ચુકવવામાં આવશે. તેમજ જેલ પ્રભાગના વર્ગ-૩ના કર્મચારીઓને વોશીંગ અલાઉન્સ પેટે ચુકવવામાં આવતા રૂ.૨૫/-માં વધારો કરીને રૂ.૫૦૦/- ચુકવવામાં આવશે તેમ તેમણે ઉમેર્યું હતું.