જામનગરના બહુચર્ચીત કચરા કાંડમાં ગાજયા મેઘ વરસ્યા નહીં પરંતુ લીગેસી વેસ્ટ કંપની અને વૈભવ ક્ધસ્ટ્રકશને કરોડો રુપિયાનું બીલ મુકયું હતું જેના પર મ્યુ.કમિશ્નર ડી.એન.મોદીએ રુા.૨૬ લાખની પેનલ્ટી ફટકારી છે એટલું જ નહીં રુા.૨ કરોડ ડીપોઝીટ પેટે જમા રાખવા હુકમ કર્યો છે અને રુા.૭૧ લાખનું ચુકવણું કરવા આદેશ કરતા ભારે ચર્ચા જાગી છે, રાજકીય આકાઓના પાસા સીધા પડયા છે, કચરા કાંડમાં મામુલી પેનલ્ટી ફટકારાઇ હોવાનું પણ ચર્ચાઇ રહ્યું છે, સમિતિના અહેવાલ બાદ મ્યુ.કમિશ્નરે આ નિર્ણય કર્યો હતો.
ગુલાબનગર ડમ્પીંગ સાઇટ પર લીગેસી વેસ્ટને પ્રોસેસીંગની કામગીરી વૈભવી કન્સ્ટ્રકશનને મળી હતી, જેમાં રુા.૨.૬૪ કરોડનું બીલ મુકી દેવામાં આવ્યું હતું અને આ બીલ પાસ કરાવવા માટે કેટલાક લોકોએ ભારે ધમપછાડા કર્યા હતાં, ગાંધીનગર સુધી લાગવગ લગાવી હતી, ભાજપના બે જુથ વચ્ચે તિવ્ર હરીફાઇ પણ હતી, એક જુથ ભારે દંડ કરવા માંગતું હતું અને બીજુ જુથ સામાન્ય દંડ કરીને મામલો રફેદફે કરવાના મુડમાં હતું, કેટલો કચરો પ્રોસેસીંગ થયો તેની વિગતો દબાવી રાખવામાં આવી હતી, થોડા દિવસ પહેલા ડીએમસીના અઘ્યક્ષ સ્થાને છ સભ્યોની રચના કરીને આ કચરા કાંડનો રિપોર્ટ આપવા સત્યતા ચકાસવા આદેશ કર્યો હતો, આ કમીટીમાં ચીફ એકાઉન્ટન્ટ જીગ્નેશ નિર્મલ, કોમલ પટેલ, સોલીડ વેસ્ટના મુકેશ વરણવા, બહુ ચર્ચીત અધિકારી ગણાતા દિપક શીંગાળા સહિતના લોકોએ તપાસ કરીને સાત દિવસમાં વૈભવી ક્ધસ્ટ્રકશનનો રિપોર્ટ આપ્યો હતો.
કમીટીનો રિપોર્ટ આવ્યા બાદ આ રિપોર્ટ ઉપર પગલા લેવામાં બે મહીના નિકળી ગયા, રિપોર્ટ ધીરે-ધીરે કમિશ્નર કાર્યાલયે પહોંચ્યો ત્યારે આ સમગ્ર મામલે ભારે ચકચાર પણ જાગી હતી, સોલીડ વેસ્ટના અધિકારીઓએ પણ ગોળ-ગોળ જવાબ આપ્યા હતાં અને રુા.૨.૬૪ કરોડના બીલ પાસ કરવા અમુક નગરસેવકોએ ભારે ફુંફાળા માર્યા હતાં અને કેટલાકને ધમકીની ભાષામાં પણ વાત કરી હતી, આ મામલો વધુ ચર્ચીત થાય એ પહેલા રાજકીય અગ્રણીઓએ પણ બે અધિકારીઓને શાનમાં સમજી જવા અને કોઇપણ પ્રકારની પેનલ્ટી ન કરવા ખાનગીમાં ધમકી આપી હોવાનું પણ ચર્ચાઇ રહ્યું છે.
આખરે સત્ય શોધક ગણાતી કમીટીએ લીગેસી વેસ્ટ વૈભવી ક્ધસ્ટ્રકશનને રુા.૨૬ લાખનો દંડ ફટકારી દીધો છે, ચાલાકી વાપરીને રુા.૨ કરોડની રકમ ડીપોઝીટ પેટે જમા રાખવા આદેશ કર્યો છે, રુા.૭૧ લાખનું બીલ પણ ચુકવી દેવા આદેશ કરી દેવાયો છે ત્યારે આગામી દિવસોમાં ભાજપનું એક જુથ કયાં પ્રકારનો ઉહાપોહ કરશે તે અંગે અત્યારથી જ ચર્ચા-વિચારણા શરુ થઇ ગઇ છે.
જામનગરના ડમ્પીંગ પોઇન્ટમાં કચરા કાંડમાં ગોબાચારી થયા બાદ રુા.૩ કરોડ જેટલું બીલ પાસ કરાવવા કેટલાક લોકોએ ભારે ધમપછાડા કર્યા હતાં અને તેમ બીલ કેમ ઝડપથી પાસ નથી કરતા તેવું કહીને અધિકારીઓને પણ દબડાવવા ખુબ પ્રયત્ન થયા હતાં, સમગ્ર પ્રકરણમાં ઢાંક પીછોડો થાય તે માટે ગાંધીનગર સુધી એડીચોટીનું જોર લગાડવામાં આવ્યું હતું, તેમાં એક જુથ સફળ થયું હતું, હાલમાં આ કંપનીને માત્ર રુા.૨૬ લાખની પેનલ્ટી કરીને મન મનાવી લેવા પ્રયાસો કરવામાં આવ્યા છે, પરંતુ ઓછી પેનલ્ટી ફટકારવાથી કેટલાક રાજકીય આકાઓ ગઇકાલ સાંજથી ખુશખુશાલ થઇ ગયા હતાં અને પોતાનું ધાર્યુ પાર પડયું છે તેમ કહીને ઉજવણી પણ કરી હતી.
ગુલાબનગર કચરા કાંડમાં લીગેસી વેસ્ટ પ્રોસેસીંગ કામગીરી વૈભવી ક્ધસ્ટ્રકશનને મળ્યા બાદ કચરામાં કેટલીક ગોબાચારી થઇ, આ પ્રકરણ ત્રણ મહીનાથી ચકચાર જગાવી રહ્યું છે ત્યારે હવે માત્ર ૨૬ લાખનો દંડ ફટકારાવામાં આવ્યો છે તે કોના કહેવાથી આવું થયું છે ? આ સમગ્ર કૌભાંડમાં અમુક નગરસેવકોની ભૂમિકા શંકાસ્પદ રહી છે, અમુક અધિકારીઓ અને કેટલાકને બીલ મામલે ધમકી મળ્યાની પણ ચોંકાવનારી વિગતો બહાર આવી છે ત્યારે ભાજપના સ્થાનિક પદાધિકારીઓ માત્ર ૨૬ લાખના દંડથી ખુશ છે કેમ ? એક જૂથ તો નારાજ થઇ ગયું છે પરંતુ સમગ્ર કાંડમાં કોની-કોની વરવી ભૂમિકા છે તે પણ તપાસ થાય તો ઘણુબધુ બહાર નિકળી શકે.
જામનગર મહાનગરપાલિકાના એક અધિકારી વિવાદાસ્પદની ભુમિકામાં છે, સમગ્ર કાંડમાં તેના ઉપર અંગુલી નિર્દેશ કરાયો હતો ત્યારબાદ તેની બદલી પણ કરી નાખવામાં આવી હતી, અગાઉ તે સસ્પેન્ડ પણ થઇ ચૂકયો છે, સમગ્ર કાંડને છુપુ રાખવામાં જેની ભૂમીકા હોય તેમની સામે કડક પગલા લેવામાં કોની શરમ નડે છે એ પણ તપાસવાની જરુર છે, ત્યારે સમગ્ર કાંડમાં વચેટીયાને ભૂમિકા ભજવનાર રાજકીય અગ્રણીને પણ પોતાની ઔકાત દેખાડી દેવાની જરુર છે. અધિકારી સામે કડક પગલા લેવાશે તો આગામી દિવસોમાં આ પ્રકારના કૌભાંડો થતાં અટકશે, પરંતુ હાલ તો ઘીના ઠામમાં ઘી પાડવાના ભરપૂર પ્રયાસો થઇ રહ્યા છે અને તેમાં કેટલાક લોકો સફળ પણ થયા છે તેવી વિગતો બહાર આવી રહી છે.