રાજ્યમાં હાર્ટએટેકનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. આજે વધુ બે વ્યક્તિના હાર્ટએટેકથી મોત થયા છે. સુરત બાદ મહીસાગરમાં હાર્ટએટેકની ઘટના સામે આવી છે. મહીસાગર જિલ્લાના લુણાવાડામાં વેપારીને આવ્યો હાર્ટ અટેક આવતાં નિધન થયું હતું. લુણાવાડા પરા બજારમાં સાવરણીનો વ્યવસાય કરતા વેપારીને હૃદય રોગનો હુમલો આવ્યો હતો. વહેલી સવારે દુકાન પર પોતાનો સામાન મૂકી ઘરે ગયા હતા, ઘરે જતા છાતીમાં દુખાવો ઉપાડતા હોસ્પિટલ પહોંચે તે પહેલા જ પ્રાણપંખેરુ ઉડી ગયું હતું. 42 વર્ષીય ફિરોજભાઈ તાહીરભાઈ ઘડિયાળીનું હૃદય રોગના હુમલાથી મોત થતાં પરિવારજનો શોકમગ્ન થઈ ગયા હતા. નાની વયે હાર્ટ અટેકના કેસ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. કોરોના બાદ નાની વયે આવતા હાર્ટ અટેક અને તેનાથી થતાં મોતની સિલસિલો થંભવાનું નામ લેતો નથી. ડાયમંડ નગરી સુરતમાં હાર્ટએટેકથી મોતનો સિલસિલો યથાવત છે. 45 વર્ષીય વ્યક્તિને હાર્ટ અટેક આવતાં નિધન થયું હતું. પુરષોત્તમ પાંડેને અચાનક છાતીમાં દુઃખાવો ઉપડતાં તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. તહેવાર પર જ મોત થતાં પરિવારજનોએ હૈયાફાટ રૂદન કર્યુ હતું.