અમદાવાદના વિંઝોલ વિસ્તારમાં રહેતા વાઘેલા પરિવાર માટે દિવાળીનો તહેવાર ખુશીઓના બદલે શોકમાં ફેરવાઇ ગયો હતો. પરિવારના સાત વર્ષના દીકરા માટે ફટાકડાંની ખરીદી કરીને આ પરિવાર જેવો રોડ ઉપર આવ્યો કે તરત જ સામેથી પૂર ઝડપે આવી રહેલી કાર તેમના ઉપર ફરી વળી હતી.
તેઓના ચહેરા ઉપર દેખાતો હર્ષોલ્લાસ અને ખુશીઓ ઘડીના છઠ્ઠા ભાગમાં દુઃખ અને પીડામાં ફેરવાઇ ગઇ હતી. પૂર ઝડપે આવી રહેલી કારની ઝપટમાં પરિવારનો મોભી શૈલેશ વાઘેલા આવી જતાં તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું જ્યારે સાત વર્ષનો પુત્ર સંખ્યાબંધ ઇજાઓ સાથે લોહીના ખાબોચિયામાં ફસડાઇ પડ્યો હતો.
વાઘેલા પરિવારના સ્વજનોએ કહ્યું હતું કે, પરિવારનો સાત વર્ષનો પુત્ર તેના મિત્રો સાથે ભેગા મળીને ફટાકડાં ફોડવા ઇચ્છતો હતો પરંતુ અત્યારે જુઓ તે હોસ્પિટલમાં મરણ પથારીએ પડ્યો છે. શહેર પોલીસ માટે આ બીજો હિટ એન્ડ રનનો કેસ ગણાય છે. ટ્રાફિક પોલીસના સૂત્રોએ કહ્યું હતું કે, વાઘેલા પરિવારનો મોભી શૈલેષ વાઘેલા તેની પત્ની વિમલા વાઘેલા, સાત વર્ષનો પુત્ર ધ્રુવલ અને પાંચ વર્ષનો પુત્ર દક્ષ સહિત હાથીજણ સર્કલ પાસે ફટાકડાની ખરીદી રહ્યા હતા. ફટાકડાની ખરીદ્યા બાદ આ પરિવાર રોડ ક્રોસ કરી રહ્યો હતો ત્યારે એક ફૂલ સ્પીડમાં આવી રહેલી કારે આ પરિવારને અડફેટે લીધો હતો અને શૈલેષ વાઘેલા અને તેના સાત વર્ષના પુત્ર ધ્રુવલને હવામાં ઉછાળ્યા હતા, અને તેની પત્ની વિમલા અને પાંચ વર્ષનો નાનો પુત્ર આ અકસ્માતના મૂક સાક્ષી બની રહ્યા હતા. પોતાની નજર સામે જ પતિનું મોત અને મોટા પુત્રને ગંભીર ઇજા થતી જોતાં વિમલાબેનના માથે આભ ફાટી પડ્યું હતું.
શનિવારે સાંજે 7.45 વાગ્યે વાઘેલા પરિવાર ફટાકડાં ખરીદીને હાથીજણ સર્કલથી સરસ્વતી ચાર રસ્તા પાસે રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે આ દુઃખદ બનાવ બન્યો હતો. આઘાતજનક બાબત તો એ હતી કે વાઘેલા પરિવારને અડફેટે લેનાર કારનો માલિક ઉભો રહેવાને બદલે કાર લઇને ફરાર થઇ ગયો હતો. આ કારનો રજિસ્ટ્રેશન નંબર પ્રાપ્ત કરવા અમે નજીકમાં ફીટ કરેલાં કેટલાંક સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કર્યા હતા પરંતુ કમનસીબે અમે તે કારનો રજિસ્ટ્રેશન નંબર મેળવી શક્યા નથી. આ કાર કેવા રંગની હતી અને તેનો નંબર કયો હોઇ શકે તે અંગેની માહિતી મેળવવા અમે એક ટીમ બનાવી છે એમ ટ્રાપિક પોલીસના જે ડિવિઝનના પોલીસ ઇન્સપેક્ટર એસ.એન પટેલે કહ્યું હતું.