2024માં યોજાનાર લોકસભા ચૂંટણી પહેલા સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચેની ખેંચતાણ લગભગ સૌની સામે આવી ચૂકી છે. જેનાથી એવું લાગે છે કે INDIA ગઠબંધમાં કંઇક ગરબડ ચાલે છે. કોંગ્રેસ દ્વારા જાતિ આધારિત વસતી ગણતરીની માગ પર સપા પ્રમુખ અખિલેશ યાદવે સવાલ ઊઠાવ્યો કે તમારા નેતૃત્વ હેઠળની સરકારોએ સત્તામાં રહીને વસતી ગણતરી કેમ નહોતી કરાવી?
રાહુલ ગાંધી તેમની મોટાભાગની રેલીઓમાં જાતિ આધારિત વસતી ગણતરી કરાવવાની માગ કરી રહ્યા છે. તેમની એક્સરેવાળી ટિપ્પણી પર કટાક્ષ કરતા અખિલેશ યાદવે કહ્યું હતું કે ગત સરકારોની દોષપૂર્ણ નીતિઓને કારણે જ આ મામલે કોઈ કાર્યવાહી ન થઇ શકી. રાહુલે કહ્યું હતું કે, જાતિ આધારિત વસતી ગણતરી એક એક્સ રે જેવી હશે. જે જુદા જુદા સમુદાયોની વિગતો પૂરી પાડશે. રાહુલના આ નિવેદન પર અખિલેશે કહ્યું કે કોંગ્રેસ જ્યારે સત્તામાં હતી તો તેણે કેમ એક્સ રે નહોતો કરાવ્યો? તમારી માગ તો ચમત્કાર છે.
રાહુલ ગાંધી પર કટાક્ષ કરતાં અખિલેશ યાદવે કહ્યું કે જ્યારે કોંગ્રેસ સત્તામાં હતી તો આ સમસ્યા તે સમયે જ ઉકેલાઈ ગઈ હોત. જો એક્સ રે તે સમયે જ કરી લેવાયો હોત તો મુશ્કેલી આટલી ન વધી હોત. તેમણે કહ્યું કે હવે તો એમઆરઆઈ અને સીટી સ્કેનનો સમય છે.
અખિલેશ યાદવે જાતિ ગણતરી રોકવા માટે કોંગ્રેસની ટીકા કરી હતી અને કહ્યું હતું કે જ્યારે નેતાજી મુલાયમ સિંહ યાદવ, શરદ યાદવ, લાલુ પ્રસાદ યાદવ અને દક્ષિણ ભારતના પક્ષોએ લોકસભામાં જાતિ ગણતરીની માંગ ઉઠાવી ત્યારે કોંગ્રેસે ઇનકાર કરી દીધો હતો. તેમણે કહ્યું કે કોંગ્રેસ હવે જાતિ ગણતરી શા માટે કરાવવા માંગે છે. સપા નેતાએ કહ્યું કે કોંગ્રેસ જાણે છે કે તેની પરંપરાગત વોટ બેંક તેમની સાથે નથી. પછાત વર્ગો, દલિતો અને આદિવાસીઓ જાણે છે કે કોંગ્રેસે આઝાદી પછી તેમની સાથે દગો કર્યો હતો.