સ્વતંત્રતાના અમૃત મહોત્સવની ઉજવણી કરવા માટે સરકારે હર ઘર ત્રિરંગા ઝુંબેશની શરૂઆત કરી હતી અને તે અંતર્ગત સોશિયલ મીડિયામાં રાષ્ટ્રધ્વજ સાથે સેલ્ફી અપલોડ કરવાની પહેલ કરવામાં આવી હતી. વડાપ્રધાન મોદીએ જ દેશના નાગરિકોને તિરંગા સાથેની સેલ્ફી અપલોડ કરવા માટે અપીલ કરી હતી. આ વર્ષે આ અભિયાન હર ઘર તિરંગા 2.0 નામથી ચલાવવામાં આવ્યું હતું.
હવે આ અભિયાન હેઠળ એકત્રિત કરવામાં આવેલા ડેટાની સુરક્ષા પર સવાલ ઊભા થયા છે. લોકોની ગોપનીયતાના મુદ્દા ઉઠાવનારાઓએ સરકાર પાસે માંગ કરી છે કે આ તમામ ડેટા વેબસાઈટ પરથી ડિલીટ કરવામાં આવે જેથી કરીને તે 8.8 કરોડ લોકોનો ડેટાનો ખોટો ઉપયોગ ન થઈ શકે.
એક આરટીઆઈના જવાબમાં સરકારે સ્વીકાર્યું છે કે અભિયાન પૂરું થતાં જ આ ડેટાને કાઢી નાખવાનો હતો, પણ સરકારે હજી આ ડેટા ડીલીટ કર્યો નથી. આ ડેટામાં સેલ્ફી-ફોટો અપલોડ કરનારનું નામ, ફોટો અને જિયો ટેગ એટલે કે લોકેશન પણ સામેલ છે. ઇન્ટરનેટ ફ્રીડમ ફાઉન્ડેશને વેબસાઈટમાં ઘણી ખામીઓ હોવાનું કહીને આ તમામ ડેટા ડીલીટ કરવા માટે સંસ્કૃતિ મંત્રાલય સમક્ષ માંગ કરી છે.