ગાંધીનગરના જીઈબી છાપરાં નજીકથી સોળ વર્ષીય સગીર 10 દિવસ અગાઉ તેની માતાને આવું છું કહીને ઘરેથી નીકળ્યાં પછી આજદિન સુધી પરત નહીં ફરતાં સેકટર – 21 પોલીસે અજાણ્યા ઈસમ વિરુદ્ધ અપહરણનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ગાંધીનગર જીઈબી છાપરામાં રહેતી મહિલા મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. જેમનાં ત્રણ સંતાનો પૈકી 16 વર્ષનો દીકરાએ ધોરણ – 5 સુધી રાજસ્થાનમાં સરકારી શાળામાં અભ્યાસ કર્યો છે. ગત તા. છઠ્ઠી નવેમ્બરનાં રોજ ઘરની નજીક રહેતા શખ્સના ઘરે ગયો હતો.
એ વખતે સગીર જમવા માટે બેઠો હતો. ત્યારે પાસે રહેતા યુવકે બૂમો પાડીને સગીરને બોલાવ્યો હતો. જેથી સગીર જમવાનું છોડીને તેની સાથે જવા નિકળ્યો હતો. આથી મહિલાએ ક્યાં જવાનું એમ પૂછતાં સગીરે થોડું કામ પતાવીને આવીએ છીએ કહી સગીરને પોતાની સાથે લઈ ગયો હતો. બાદમાં આખી રાત સુધી સગીર ઘરે પરત આવ્યો ન હતો. જે ઘણીવાર તે કાકાનાં દીકરાના ઘરે સૂઇ જતો હોવાથી મહિલાને એમ કે દીકરો ત્યાં હશે.
બાદમાં બીજા દિવસે મહિલાએ ત્યાં જઈને તપાસ કરતા સગીરને રાત્રે દસ વાગે જોયો હતો. પરંતુ રાતે સૂવા ગયો નહીં હોવાનું જાણવા મળ્યું હતું. જેનાં પગલે મહિલાએ તુરંત પાડોશીના ઘરે ગયા હતા. જેણે જણાવેલ કે કામ પૂર્ણ થઈ જતાં સગીરને રોડ ઉપર ઉતારી દીધો હતો. આમ દીકરો અચાનક ગુમ થઈ જતાં મહિલા આજદિન નમસ્તે સુધી તેની શોધખોળ કરી હતી. છેવટે સગીરનો ક્યાંય પત્તો નહીં લાગતાં મહિલાએ ફરીયાદ નોંધાવી હતી. જે આધારે સેક્ટર – 21 પોલીસે અજાણ્યા ઈસમ વિરુદ્ધ અપહરણનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.