ગાંધીનગરનાં સોલંકીપુરા પાટીયા નજીક અજાણ્યા વાહન ચાલકે સીએનજી રીક્ષાને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ રીક્ષા ચાલકનું ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. જેથી ચીલોડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ગાંધીનગરના મોટા ચીલોડા ખાતે રહેતો સતીન રામપ્રકાશ શાકબાર મોટા ચિલોડા દહેગામ રોડ ઉપર પકોડીની લારી ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગઈકાલે સાંજના તે દહેગામ રોડ ઉપર પકોડીના ધંધા અર્થે ગયો હતો અને ધંધો કરી ઘરે ગયો હતો. એ વખતે તેના પિતા ઘરે હાજર ન હતા. આથી સતીનને તેની માતાએ કહ્યું હતું કે, રામપ્રકાશ રીક્ષા લઈને મગોડી દહેગામ તરફ ગયા છે. બાદમાં આઠેક વાગ્યાના અરસામાં તેના પિતાના ફોન પરથી કોઈ અજાણ્યા વ્યક્તિએ ફોન કરીને મગોડી લાટ વચ્ચે સોલંકીપુરા પાટીયા નજીક રીક્ષાને અકસ્માત થયો હોવાની જાણ કરી હતી. જેનાં પગલે સતીન સહિતના લોકો અકસ્માત સ્થળે દોડી ગયા હતા. જ્યાં રીક્ષા રોડની સાઈડમાં પડી હતી અને મોટી સંખ્યામાં ભીડ એકઠી થયેલી હતી.
કોઈ અજાણ્યો વાહન ચાલક રીક્ષાને ટક્કર મારી નાસી જતાં રામપ્રકાશને 108 એમ્બ્યુલન્સ મારફતે ગાંધીનગર સિવિલ લઈ જવાયા હોવાનું માલુમ પડતાં પરિવારજનો સિવિલ પહોંચ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર દરમ્યાન રામપ્રકાશનું મોત નીપજ્યું હતું. આ અંગે ચીલોડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.