ગાંધીનગરના સેકટર – 24 વિસ્તારમાં વકીલ નું સ્ટીકર વાળા ચોરીના બાઇક – મોબાઇલ સાથે ફરતા કલોલના યુવાનને સેકટર – 21 પોલીસે શંકાસ્પદ હાલતમાં ઝડપી પાડી રાજકોટ શહેર પોલીસ મથકમાં નોંધાયેલ વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલી કાઢવામાં આવ્યો છે.
ગાંધીનગર સેક્ટર – 21 પોલીસ મથકની હદ વિસ્તારમાં દિવાળીના તહેવારો દરમ્યાન મિલ્કત સંબંધી ગુનાઓ બનતા અટકાવવા માટે સર્વેલન્સ સ્કવોર્ડ દ્વારા રાઉંડ ધ કલોક સઘન પેટ્રોલીંગ કરી શંકાસ્પદ ઈસમોની ગતિવિધિઓ ઉપર નજર રાખવામાં આવી રહી હતી. આ દરમ્યાન હેડ કોન્સ્ટેબલ મહાવીરસિંહ કુબેરસિંહ તથા કૉન્સ્ટેબલ ધીરેન્દ્રસિંહ બહાદુરસિંહને સંયુક્ત બાતમી મળી હતી કે, સેકટર – 24 શાક માર્કેટ બજાર નજીક આવેલ આયુષ્યમાન ભારત દવાખાના પાસે એક ઇસમ બાઈક સાથે શંકાસ્પદ હાલતમાં ઊભો છે.
જેનાં પગલે પોલીસ ટીમે અત્રેના વિસ્તારને કોર્ડન કરીને દિપક લાલાભાઇ પ્રેમાભાઇ પરમાર (રહે હાલ, કલ્યાણપુરા આસુદેવ સોસાયટી-વિભાગ-2 ની બાજુમાં તા.કલોલ) ને ઉઠાવી લેવાયો હતો. જેની પાસેથી મળી આવેલ બાઈક અને મોબાઈલ અંગે પોલીસે તેની કડકાઈથી પૂછતાંછ શરૂ કરી હતી.
ત્યારે દિપક પરમારે બાઈક છળકપટથી મેળવ્યું હોવાનું સામે આવ્યું હતું. જે અંગે પોકેટ કોપ મો.ફોનમાં બાઇકના નંબર નાખી સર્ચ કરતા હર્ષભાઇ હસમુખભાઇ પીઠવા (રહે.લક્ષ્મીછાયા સોસા.પ્લોટ નં.130 રૈયા ચોકડી, 150 ફુટ રિંગ રોડ રાજકોટ) તેમજ રાજકોટ શહેર પોલીસ મથકમાં વાહન ચોરીનો ગુનો નોંધાયેલ હોવાની વિગતો ખૂલી હતી. જ્યારે બે મોબાઈલ ફોન પણ છળકપટથી લીધા હોવાનું પણ વધુમાં બહાર આવ્યું હતું. આમ પોલીસે દિપક પરમારની અટકાયત કરી રાજકોટ શહેર પોલીસ મથકમાં નોંધાયેલ વાહન ચોરીનો ભેદ ઉકેલી કાઢવામાં આવ્યો છે.