ગાંધીનગરના દહેગામ -કપડવંજ હાઇવે રોડ ઉપર કાર-બાઈક વચ્ચે ગઈકાલે ભાઈ બીજના દિવસે અકસ્માત સર્જાયો હતો. જેમાં 23 વર્ષીય યુવાનને જીવ ગુમાવવાનો વખત આવ્યો છે. અમદાવાદના સરદારનગર ખાતે રહેતા માંગીલાલ ભેરાજી વણઝારાના પરિવારમાં પત્ની તેમજ ચાર દીકરીઓ અને એકનો એક દિકરો મહેશ હતો. જેનાં લગ્ન સમાજના રીત-રિવાજ મુજબ ઓઢવ અમદાવાદ ખાતે ત્રણેક વર્ષ પહેલા થયા હતા. જેને સંતાનમાં આશરે દોઢેક વર્ષની દીકરી છે.
ગઈકાલે ભાઈબીજ નિમિત્તે મહેશ નાની બહેનના ઘરે હરખજીના મુવાડા ગામે જવાનું કહીને ઘરેથી બાઈક લઈને નિકળ્યો હતો. આશરે સાડા ત્રણેક વાગ્યાના સુમારે જમાઇ રાહુલે ફોન કરીને સસરા માંગીલાલને કહ્યું હતું કે, મહેશભાઈ ઘરે રોકાવાની ના પાડી રહ્યા છે. આથી માંગીલાલનાં કહેવાથી મહેશ પરત ઘરે જવા માટે બાઈક લઈને નિકળ્યો હતો. જેનાં અડધા કલાક પછી માંગીલાલે દીકરાને ફોન કર્યો હતો. પરંતુ મહેશનો ફોન લાગતો ન હતો. જેથી ચિંતા થતાં માંગીલાલે પોતાના જમાઈને તપાસ કરવા માટે કહ્યું હતું અને જમાઈ રાહુલ સાળાને શોધવા નીકળ્યા હતા. થોડીવાર પછી તેમણે સસરાને ફોન કરીને જાણ કરેલી કે, દહેગામ પાસે નિહાલ ફાર્મ આગળ દહેગામ કપડવંજ હાઇવે રોડ ઉપર મહેશભાઇના બાઇક અને કાર વચ્ચે અકસ્માત થયો છે.
આ સમાચાર સાંભળીને માંગીલાલ સહીતના પરિવારજનો ગાંધીનગર સિવિલ હોસ્પિટલ દોડી ગયા હતા. જ્યાં મહેશને કપાળમાં તથા શરીરે ઇજાઓ સાથે નાક તથા કાનમાંથી લોહી નિકળતુ હતુ. જેને ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. આ અકસ્માતમાં ભાઈબીજના દિવસે જ ચારેય બહેનોએ એકના એક ભાઈને ગુમાવવાનો વખત આવ્યો હતો. આ અંગે દહેગામ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.