ગાંધીનગરના છાલા ગામના પાટીયા પાસે કિયા કારનાં ચાલકે પોતાની કાર પૂરપાટ ઝડપે હંકારીને છોટા હાથીને પાછળથી ટક્કર મારી હતી. આ અકસ્માત સર્જાતા છોટા હાથી રોડની રેલીંગને અથડાઈને પલ્ટી ખાઈ જતા ખેડૂતના બંને પગ કપાઈ ગયા હતા. આ અંગે ચીલોડા પોલીસે ગુનો નોંધી કાનૂની કાર્યવાહી હાથ ધરી હતી.
ગાંધીનગરના મહાદેવપુરા ગામના દશરથભાઇ પીથુભાઇ ચૌધરી અને તેમના મોટા ભાઈ નારાયણભાઈ ખેતીકામ કરે છે. જેનાં માટે તેઓએ છોટા હાથી ભાડેથી લીધેલું છે. ગત તા. 15 મી નવેંબરના રોજ દશરથભાઈ ઘરે હાજર હતા. ત્યારે તેમને જાણ થઈ હતી કે, નારાયણભાઈને છાલા ગામના પાટીયા પાસે હાઇવે રોડ ઉપર અકસ્માત થયો છે.
આથી દશરથભાઈ સહિતના પરિચિતો અકસ્માત સ્થળે દોડી ગયા હતા. જ્યાં છોટા હાથી પલ્ટી ખાઈને હાઇવે ઉપર પડયું હતું. જેની પાછળ કિયા ગાડી પણ પડેલી જોવા મળી હતી. જે અંગે દશરથભાઈને જાણવા મળેલું કે, નારાયણભાઈ છોટા હાથી ટેમ્પો લઇને ચિલોડાથી છાલા તરફ આવતા હતા.
ત્યારે છાલા ગામના પાટીયા પાસે કિયા ગાડીના ચાલકે પોતાની ગાડી પૂરપાટ ઝડપે હંકારીને પાછળથી છોટા હાથીને ટક્કર મારી હતી. જેનાં કારણે છોટા હાથી રોડની રેલીંગને અથડાઈને પલ્ટી ખાઈ ગયું હતું. અને નારાયણભાઈને ગંભીર હાલતમાં છાલા સરકારી દવાખાને લઈ જવામાં આવ્યા છે. જેથી બધા દવાખાને પહોંચ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે નારાયણભાઈના ઘુંટણથી નીચે બંને પગ કપાઈ હતા અને જમણા પગમાં ફ્રેકચર – માથામાં પણ ગંભીર ઈજાઓ થયાનું જણાવ્યું હતું. આ અંગે ચીલોડા પોલીસે ગુનો નોંધી કાનૂની કાર્યવાહી હાથ ધરી હતી.