લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે, તેમ તેમ મોટા ઉલટેફેર જોવા મળી શકે છે. બીજી બાજુ લોકસભાની ચૂંટણીની બીજેપીએ અત્યારથી જ તૈયારીઓ શરુ કરી દીધી છે. ત્યારે ભાજપ દ્વારા સંઘ પ્રદેશ દમણ, દીવ અને દાદરા નગરહવેલીના પ્રભારીની નિમણુંક કરવામાં આવી છે. જેમાં પુર્ણેશ મોદીને પ્રભારી બનાવવામાં આવ્યા છે. ગુજરાત સરકારના માજી મંત્રી અને વર્તમાન ધારાસભ્ય પુર્ણેશ મોદીને પ્રભારીની જવાબદારી સોંપવામાં આવી છે. આગામી લોકસભાની ચૂંટણીને લઈને બીજેપી એક્શન મોડમાં છે. બીજી તરફ સહ પ્રભારી તરીકે ભરૂચના માજી ધારાસભ્ય દુષ્યંત પટેલની નિમણુંક કરવામાં આવી છે. જો કે, પુર્ણેશ મોદી અને દુષ્યંત પટેલની પ્રભારી તરીકેની નિમણુંકને લઈને અનેક તર્કવિતર્ક પણ શરુ થયા છે. પૂર્ણેશ મોદીને દમણ-દીવ દાદરા નગરહવેલીના પ્રભારી તરીકે નિમણૂક કરવામાં આવતા ભાજપના કાર્યકરોમાં પણ અચંભો છે. સામાન્ય રીતે દક્ષિણ ગુજરાતના નેતાની સીધી નિમણુંક થતા કાર્યકરોમાં તર્કવિતર્ક શરૂ થયા છે. રાહુલ ગાંધી સામે કેસ કરીને પૂર્ણેશ મોદી ચર્ચામાં આવ્યા હતા. પૂર્ણેશ મોદીએ મોદી સરનેમ મામલે રાહુલ ગાંધી સામે કેસ કર્યો હતો. જેના કારણે રાહુલ ગાંધીને સજા થઈ અને ત્યારબાદ તેમનું સંસદ સભ્ય પદ ગયું. જો કે, બાદમાં રાહુલ ગાંધીને ફરી સભ્ય પદ મળી ગયુ છે. પૂર્ણેશ મોદી હાલ સુરત પશ્ચિમથી ભાજપના ધારાસભ્ય છે. તેમની પાસે બી.કોમ અને એલએલબીની ડિગ્રીછે અને વ્યવસાયે તેઓ વકીલ છે.