યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)ની પરીક્ષાને ભારતની સૌથી અઘરી પરીક્ષાઓમાંથી એક માનવામાં આવે છે અને દર વર્ષે લાખો ઉમેદવારો તેમાં સામેલ થાય છે, પરંતુ બહુ ઓછા વિદ્યાર્થીઓ તેને પાસ કરી શકે છે. UPSC પરીક્ષાની તૈયારી માટે શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય ખૂબ જ મહત્વપૂર્ણ છે. આજે અમે આપને એક એવા ઉમેદવારની કહાની જણાવી રહ્યા છીએ, જેમણે ઘણી મુશ્કેલીઓનો સામનો કરીને UPSC પરીક્ષામાં 88મો રેન્ક મેળવીને IAS ઓફિસર બનવાનું પોતાનું સપનું પૂરું કર્યું છે.
પંજાબના મોગામાં જન્મેલા રિતિકા જિંદાલે સુવિધાઓની અછતને ક્યારેય પોતાના લક્ષ્યને હાંસલ કરવામાં વચ્ચે આવવા દીધી નથી. રિતિકા જિંદાલ હંમેશા અભ્યાસમાં ટોપર રહ્યા હતા. ધોરણ 10 અને 12માં સારા માર્ક્સ સાથે પાસ કર્યા પછી દિલ્હી યુનિવર્સિટીની શ્રીરામ કોલેજ ઓફ કોમર્સમાં એડમિશન લીધું. તેમણે ગ્રેજ્યુએશનમાં પણ ટોપ કર્યું. ગ્રેજ્યુએશનમાં તેમને 95% માર્ક્સ આવ્યા હતા. સાથે તેમણે UPSCની તૈયારી પણ શરૂ કરી દીધી હતી.
રિતિકા જિંદાલ જ્યારે પહેલીવાર UPSCની પરીક્ષા આપી રહ્યા હતા, ત્યારે તેમના પિતાને જીભમાં કેન્સર હોવાનું સામે આવ્યું હતું. આ પછી બીજા પ્રયાસ દરમિયાન તેમને ફેફસાનું કેન્સર થઈ ગયું હતું. રિતિકા જિંદાલ માટે આ ખૂબ જ મુશ્કેલ સમય હતો. પરંતુ તમામ મુશ્કેલીઓ વચ્ચે તેમણે પોતાનું અને તેમના પિતાનું સપનું પૂરું કરવા માટે તૈયારી શરૂ કરી. તેઓ UPSCના પહેલા જ પ્રયાસમાં ઇન્ટરવ્યુ રાઉન્ડ સુધી પહોંચ્યા હતા.
રિતિકા જિંદાલે UPSC સિવિલ સર્વિસ પરીક્ષાનો બીજો પ્રયાસ વર્ષ 2018માં આપ્યો હતો. બીજા પ્રયાસમાં તેમણે પોતાની ખામીઓને સુધારી અને ઓલ ઈન્ડિયા 88માં રેન્કની સાથે UPSC સિવિલ સર્વિસ પરીક્ષા પાસ કરીને IAS બનવાનું સપનું પૂરું કર્યું.
UPSC પરીક્ષા પાસ કર્યા બાદ જ્યારે IASની ટ્રેનિંગ લઈ રહ્યા હતા, ત્યારે તેમના પિતાનું અવસાન થયું હતું. આ તેમના માટે મોટો આઘાત હતો. પરંતુ તેમને બીજો આઘાત ત્યારે લાગ્યો જ્યારે તેમના પિતાના મૃત્યુના બે મહિના પછી તેમની માતાનું પણ અવસાન થયું હતું. માતા-પિતાના અવસાનથી રીતિકા જિંદાલને મોટો આઘાત લાગ્યો હતો. બંને લોકો તેમની પુત્રીની સફળતા જોઈ શક્યા નહીં.