ડભોઇ તાલુકાના કાયાવરોહણ ગામ નજીક ડભોઇ કરજણ રોડ ઉપર બે બાઇકો સામસામે ધડાકાભેર અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જ્યો હતો. જેમાં એકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય બાઇક ચાલકને ઇર્જાઓ પહોંચતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. ડભોઇ પોલીસે અકસ્માત સર્જનાર બાઇક ચાલક વિરુધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ડભોઇ તાલુકાના સુલતાનપુરા ગામે પટેલ ફળીયા માં પરિવાર સાથે રહેતો 23 વર્ષીય ભાર્ગવભાઇ મહેશભાઈ પટેલ ગતરોજ શનિવાર હોય નિત્યકર્મ મુજબ ખાનપુરા ગામે આવેલ હનુમાનજી મંદિરે દર્શન કરવા માટે ઘરેથી બાઈક લઇ નીકળ્યો હતો અને હનુમાનજી મંદિરે દર્શન કરી ઘરે પરત ફરતા સમયે કરજણ ડભોઇ રોડ કારવણ ગામની સીમ પાસેથી બાઈક પર પસાર થઇ રહ્યો હતો. આ દરમિયાન સામેથી પુરઝડપે આવતા બાઇક ચાલક ઋતુલભાંઈ રાજુભાઇ પટેલે સામેથી બાઈક અથડાઈ જતાં અકસ્માત સર્જાતા ભાર્ગવભાઈ ને માથાના ભાગે ગંભીર ઇર્જાઓ પહોંચતા સ્થળ પર જ કરૂણ મોત નીપજ્યું હતું. જ્યારે અકસ્માત સર્જનાર ઋતુલભાંઈ રાજુભાઇ પટેલેને ઈજા પહોંચી હતી.
ખેતી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા પિતાનો એકનો એક પુત્ર અને બે બેહનો વહાલસોયા ભાઈનું અકસ્માતમાં મોત નિપજતા પરિવારના હૈયાફાટ આક્રંદથી વતાવરણમાં ગમગીની ફેલાઈ ગઈ હતી. આ સમગ્ર મામલે ડભોઇ પોલીસે ભાર્ગવ ભાઈના મૃતદેહને પીએમ અર્થે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડી મૃતકના પિતા મહેશભાઈ સોમાભાઈ પટેલની ફરિયાદના આધારે અકસ્માત સર્જનાર બાઇક ચાલક ઋતુલભાંઈ રાજુભાઇ પટેલ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.