વર્લ્ડકપમાં સૌથી ફેવરીટ મનાતી ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામે ફાઈનલ મેચમાં હારી જતા ભારતની જીત ઉપર દાવ લગાડનાર કરોડો પંટરો ધોવાઈ ગયા છે. અને બુકીઓ માલામાલ થઈ ગયા છે. ફાઈનલ મેચમાં ભારત જ હોટફેવરીટ મનાતું હતું અને બુકી બજારે પણ ભારતનો ભાવ માત્ર 35 પૈસા અને ઓસ્ટ્રેલિયાનો ભાવ રૂા. 1.90 કાઢ્યો હોવાથી કરોડો ભારતીય ક્રિકેટ પ્રેમીઓએ ભારત ઉપર દાવ લગાવ્યો હતો પરંતુ ભારત હારી જતા પંટરો ધોવાઈ ગયા છે અને બુકીઓ માલામાલ થઈ ગયા છે.
વર્લ્ડકપની ફાઈનલ મેચ દરમિયાન પણ સટ્ટાબજારમાં ભારે ઉથલ પાથલ જોવા મળી હતી. ભારત ટોસ હાર્યુ છતાં ઓસ્ટ્રેલિયાએ ભારતને પ્રથમ બેટીંગ આપતા અને રોહિત શર્માએ તોફાની શરૂઆત કરતા ભારત જંગી જુમલો ખડકશે તેવા અંદાજથી પંટરો ભારત ઉપર વધુ પૈસા લગાવવા પડાપડી કરવા લાગ્યા હતા અને માત્ર પાંચ જ ઓવરની રમત બાદ ભારતનો ભાવ ઘટીને 22 પૈસા અને ઓસ્ટ્રેલિયાનો ભાવ રૂા. 2. 64 સુધી પહોંચી ગયો હતો.
પરંતુ દસ ઓવર બાદ ચિત્ર બદલાયું હતું ભારતે ગીલ, રોહિત શર્મા અને શ્રેયસની વિકેટો ગુમાવી દેતા ભારતનો ભાવ 11મી ઓવરમાં વધીને એક રૂપિયો અને ઓસ્ટ્રેલિયાનો ભાવ રૂા. 1.25 થઈ ગયો હતો. ભારતનો દાવ પુરો થયો અને 240 રન જ બનતા ભારત-ઓસ્ટ્રેલિયાનો ભાવ ઉલ્ટો થઈ ગયો હતો અને ઓસ્ટ્રેલિયાનો ભાવ 96 પૈસા તથા ભારતનો ભાવ રૂા. 1.25 થઈ ગયો હતો.
દરમિયાન ઓસ્ટ્રેલિયાએ બેટિંગ શરૂ કરી અને ત્રણ વિકેટ ઝડપભેર ગુમાવી દેતા ભારતીય બોલર્સનો જાદુ ચાલી જશે તેવી આશા બંધાતા ફરી એક વખત ભારતનો ભાવ 75 પૈસા અને ઓસ્ટ્રેલિયાનો ભાવ રૂા. 1.25 થઈ ગયો હતો ઓસ્ટ્રેલિયાના દાવ દરમિયાન 20 ઓવર સુધી ભારત ફેવરીટ મનાતું હતું પરંતુ ત્યાર બાદ ભારતીય બોલર્સ વિકેટ નહીં ખેડવી શકતા ફરી એક વખત ઓસ્ટ્રેલિયા ફેવરીટ થઈ ગયું હતું. અને મેચ પુરો થયો ત્યાં સુધી ઓસ્ટ્રેલિયા ફેવરીટ જ રહ્યું હતું.
ચાલુ મેચ દરમિયાન ઉથલ પાથલમાં પણ ભારત ઉપર દાવ લગાડવનારા પંટરોની સંખ્યા વધુ હોવાથી પંટરોએ ભારત ઉપર કરોડો રૂપિયાનો સટ્ટો ખેલ્યો હતો અને અંતે ધોવાઈગયા હતા જ્યારે બુકીઓ માલામાલ થઈ ગયા હતા.