અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં સુરક્ષાનો ઘેરો તોડીને મેદાનમાં ઘૂસી જનારા યુવકને આજે ગાંધીનગર કોર્ટમાં રજૂ કરાયો હતો. પોલીસે 10 દિવસના રિમાન્ડની માગ કરી હતી. જોકે કોર્ટે આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
રવિવારે અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં સુરક્ષામાં મોટી ચૂક રહી ગઈ હતી. ચાલુ મેચમાં વેન જોનસન નામનો અને સિડનીનો રહેવાસી યુવક પિચ સુધી પહોંચી વિરાટ કોહલીને ભેટી પડ્યો હતો. બાદમાં સુરક્ષાકર્મીઓએ આ યુવકને ઝડપી ચાંદખેડા પોલીસને સોંપ્યો હતો. ચાંદખેડા પોલીસે આ અંગે ગુનો નોંધ્યો હતો.
વેન જોનસનને આજે ગાંધીનગર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં પોલીસે આરોપીના 10 દિવસના રિમાન્ડની માગણી કરી હતી. આ મામલે બચાવપક્ષના વકીલ દ્વારા દલીલ કરી હતી કે યુવકના 10 દિવસના રિમાન્ડ અંગે કોઈ વાજબી કારણ નથી. CCTVની તપાસ આરોપીને સાથે રાખીને કરવી જરૂરી નથી અને એની ભાષા પણ કોઈ સમજી શકે એમ નથી. આરોપી પેલેસ્ટાઇનની ટીશર્ટ પહેરીને આવ્યો તો પોલીસનું ધ્યાન ન હતું? સરકારી વકીલ અને બચાવપક્ષના વકીલની દલીલો બાદ કોર્ટે આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા.
આરોપી ફિફા વર્લ્ડ કપની ફાઇનલમાં પણ ઘૂસ્યો હતો કોર્ટમાં સરકારી વકીલે દલીલ કરી હતી કે આરોપી પર બે ગુના અગાઉથી નોંધાયેલા છે અને આરોપી અગાઉ ફિફા વર્લ્ડ કપની ફાઇનલમાં પણ આ પ્રકારે સ્ટેડિયમમાં ઘૂસી ગયો હતો, જ્યાં તેને ઓસ્ટ્રેલિયન કોર્ટે દંડ ફટકાર્યો હતો. આરોપી છેલ્લાં આઠ વર્ષથી તેનાં માતા-પિતાથી અલગ રહે છે. આરોપી આ ટીશર્ટ ઓસ્ટ્રેલિયાથી લાવ્યો હતો અને તેની ટીશર્ટ પર પેલેસ્ટાઇન નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આરોપીએ ઇન્ડિયાની ટીશર્ટની અંદર પેલેસ્ટાઇનવાળું ટીશર્ટ પહેર્યું હતું.
આ સમગ્ર મામલે વેન જોનસનની ધરપકડ કરીને તેની સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. હવે આ સમગ્ર કેસની તપાસ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી છે. આ અંગે ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી ચૈતન્ય માંડલિકે જણાવ્યું હતું કે આ કેસની તપાસ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી છે અને અમે અલગ અલગ દિશામાં તેની પૂછપરછ કરી રહ્યા છીએ.