૪૧ વર્ષનો એક વ્યક્તિ કેટલીક કુદરતી ખામીઓ સાથે જન્મ્યો છે, પરંતુ તેણે પોતાના આત્મવિશ્વાસ સાથે એવું કામ કર્યું છે કે આપણે જોતા જ રહી જઈએ. હકીકતમાં રિચી નામના આ વ્યક્તિનો જન્મ એવા બાળક તરીકે થયો હતો જેના બે હાથ જ નહોતા. આપણને એમ લાગે કે આવી વ્યક્તિ શું કરી શકે, કેટલો દુખી થતો હશે, પરંતુ રિચીએ કુદરત અને પોતાની કમનસીબી સામે લડીને પોતાનું ભવિષ્ય બનાવ્યું છે.
હાથ વિનાનો રિચી ફક્ત પોતાના પગની મદદથી એક સ્પ્રિન્ટર વાહન ચલાવે છે અને અદ્ભુત રીતે એના પર કન્ટ્રોલ પણ કરે છે. તે પોતાના અંગૂઠાની મદદથી વૅનનો દરવાજો ખોલે છે અને તરત જ અંગૂઠાની મદદથી સીટબેલ્ટમાં પણ ગોઠવાઈ જાય છે.
બે બાળકોનો પિતા રિચી ૨૦ વર્ષથી આ રીતે કાર ચલાવી રહ્યો છે અને છતાં હજી સુધી એક પણ વાર તેની વાહનનો અકસ્માત નથી થયો. આ એક બહુ મોટો રેકૉર્ડ કહેવાય. રિચીને આ વાહન ચલાવવા માટેનું લાઇસન્સ પણ મળ્યું છે અને એનો ઇન્શ્યૉરન્સ પણ તેણે કઢાવ્યો છે. મહત્ત્વની વાત એ છે કે એના ઇન્શ્યૉરન્સ માટે કોઈ એક્સ્ટ્રા પ્રીમિયમ આપવું પડતું નથી. જોકે કુદરતને આ રીતે મહાત આપ્યા છતાં માણસો તરફથી તેને ક્યારેક તકલીફ થતી હોય છે, ખાસ તો પોલીસ તેના પર શંકા કરતી હોય છે. ઘણી વાર તેને પકડે છે. રિચી આટલો કાબેલ છે એ વાત તેઓ પ્રથમ નજરે માની જ શકતા નથી એટલે ઘણી વાર ટ્રાફિક-પોલીસ તેને અટકાવે છે. અલબત્ત પછી તો તેની સામે કોઈ પગલાં લઈ શકાતાં નથી.