ગઢડાના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. જેનું કારણ છે શહેર કોંગ્રેસ પ્રમુખનો અને આપના હોદ્દેદાર દસુ ગોહિલનો વાયરલ વીડિયો. ગઢડા શહેર કોંગ્રેસ પ્રમુખ કિશોર વેલાણીએ ગઢડા-બરવાળાના ધારાસભ્ય અને ઝાઝરકાના મહંત શંભુનાથ ટુંડિયા વિરુદ્ધ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો.
જેમાં કિશોર વેલાણીએ ધારાસભ્ય પર ભારત-પાકિસ્તાન મેચની ડુપ્લિકેટ ટિકિટને લઈ ગંભીર આરોપો લગાવ્યા હતાં. જે દસુ ગોહિલ નામના આપના હોદ્દેદારે પણ શંભુનાથજી પર ગંભીર ટિપ્પણી કરી હતી.જે બાદ બોટાદનું રાજકારણ ભારે ગરમાયું છે.
સમગ્ર મામલે ધારાસભ્ય અને ઝાઝરકાના મહંત શંભુનાથ ટુંડિયાએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, ગઈકાલે દસુ ગોહિલે જે આપના હોદ્દેદાર છે તેમણે નામજોગ અભદ્ર ભાષામાં વીડિયો વાયરલ કર્યો હતો તે મારા ધ્યાન પર છે. હું હિન્દુ પરંપરાની 1000 વર્ષ જુની નાથ સંપ્રદાયના એક મહંત છું અને રાજકીય આગેવાન છું. તેમણે કહ્યું કે, રાજ્યભરના સેવકોમા રોષ ફેલાયો છે પરંતુ બને એટલો રોષ ઠારવાનો મે પ્રયત્ન કર્યો છે પરંતુ આખરે ટોળાની કોઈ દિશા હોતી નથી. ચારેય બાજુથી અરજીઓ આપવાનું શરૂ થયું છે તે મારા ધ્યાન પર છે. વધુમાં કહ્યું કે, રાજકીય લોકો દ્વારા મારા નામજોગ ટીપ્પણી કરે છે તે તદન વાહિયાત વાત છે અને વાસ્તવિકતા લોકો જાણે છે. તેવા લોકો ખોટી વાતો કરે છે લોકોને ભ્રમિત કરે છે તેમને ભગવાન સદ્ધ બુ્દ્ધિ આપે.
કિશોર વેલાણીએ આરોપ લગાવ્યા હતા કે, અમદાવાદ પોલીસે ડુપ્લિકેટ ટિકિટ અંગે ધારાસભ્યનું નિવેદન પણ લીધું છે. સાથે જ કિશોર વેલાણીએ ધારાસભ્યના રાજીનામાની માગ ઉચ્ચારી છે. જો કે, સમગ્ર મામલાને ધારાસભ્યએ પાયાવિહોણા ગણાવી સ્પષ્ટતા કરતા કહ્યું કે, મને એક વ્યક્તિએ મેચની ટિકિટની ખરાઈ કરવા અંગે વોટ્સએપ કર્યું હતું. જેમાં સ્ટેડિયમ પર જવાબદાર વ્યક્તિને મળવાનું ધારાસભ્યએ સુચવ્યું હતું. જવાબદારે ટિકિટ ડુપ્લિકેટ હોવાનું જણાવતા ધારાસભ્યએ તે વ્યક્તિને તાત્કાલિક પોલીસ પાસે જવા કહ્યું હતું. અને પોલીસ સાથે સમગ્ર મામલે વાતચીત પણ કરી. પોલીસે તાત્કાલિક એક્શન લઈ નકલી ટિકિટ વેચનારા આરોપીઓને જેલહવાલે કર્યા. જો કે, વીડિયો વાયરલ થયા બાદ વિવાદ વકર્યો. ધારાસભ્ય અને મહંત શંભુનાથ ટુંડિયાના સેવકોમાં રોષ જોવા મળ્યો છે.
રાણપુર અને બરવાળા પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવા અરજી આપી છે અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા માગ કરી છે. કાર્યવાહી નહીં કરાય તો આગામી સમયમાં આંદોલન કરવાની પણ રાણપુર તાલુકા પંચાયતના ન્યાય સમિતિના ચેરમેન હિરા ખાણીયાએ ચીમકી ઉચ્ચારી છે.જો કે, આ બધાની વચ્ચે દસુ ગોહિલ નામના આપના હોદ્દેદારે શંભુનાથજી ટુંડિયા પર અભદ્ર શબ્દોમાં ટીપ્પણી કરતા મામલો ગરમાયો છે