આંતરરાષ્ટ્રીય આંકડાકીય માહિતી અનુસાર વિશ્વના બીજા નંબરના સૌથી મોટા મોરબીના સિરામીક ઉદ્યોગને હાલનું નવું વર્ષ ફળ્યું નથી ઉલટું નવા વર્ષમાં સિરામિક ઉદ્યોગ મંદીના ઓછાયા હેઠળ 100 જેટલા સિરામિક એકમો બંધ થયા છે ત્યારે સીરામીક ઉદ્યોગકારોમાં ચિંતાનું મોજું ફળી વળ્યું છે.
મોરબી સિરામીક એસોશિએશન પ્રમુખ હરેશભાઇ બોપલીયાના જણાવ્યા મુજબ દિવાળી બાદ ખૂલતામાં સારા વ્યાપારની આશા હતી પરંતુ ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ માર્કેટમાં ડિમાન્ડ તળિયે બેસી જતા મોરબી ક્લસ્ટરમાં આવેલા 825 જેટલા સીરામીક એકમો પૈકી હાલમાં 100 જેટલા એકમો બંધ થયા છે. વધુમાં હરેશભાઇ બોપલીયા ઉમેરે છે છે, મોરબીમાં દિવાળી પૂર્વે ગુજરાત ગેસના પાઈપલાઈન ગેસનો સરેરાશ દૈનિક 40 લાખ ક્યુબિક મીટર વપરાશ હતો જે હાલમાં ઘટીને 32 લાખ ક્યુબિક મીટર થયો છે. એ જ રીતે મોરબીમાં એલપીજી ગેસનો પણ દૈનિક 40 લાખ ક્યુબિક મીટર વપરાશ હતો જે પણ ઘટીને 30 લાખ ક્યુબિક મીટર દૈનિક થયો છે.વધુમાં તેઓએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા ત્રણ મહિનામાં બે-ત્રણ રૂપિયા ગેસના ભાવમાં વધારો થયો છે.
અત્યારે ચીન સામે હરીફાઈમાં ટકી રહેવા પડતર કોસ્ટ બેસતી નથી ગેસના ભાવના હિસાબે પડતર બહુ ઊંચી આવે છે. હાલની વૈશ્વિક મંદી તેમજ ડોમેસ્ટિક લેવાલી ન હોવાને કારણે 100 જેટલા સીરામીક યુનિટો બંધ કરવાની ફરજ પડી છે. જેને લઇ 10 થી 15 હજાર કરોડનું ટર્નઓવર ઘટ્યું છે અને આશરે 1 લાખથી વધુ મજુરની રોજગારી ઉપર અસર પહોંચી છે.તેવું તેમને જણાવ્યું છે.