અમેરિકાના નાગરિકોને ટેક્ષ ભરવાના નામે રૂૂપિયા 157 કરોડની છેતરપિંડી કરનાર કોલ સેન્ટર કંપનીના 13 જેટલા સંચાલકો સામે સીબીઆઇએ ગુનો નોંધ્યો

Spread the love

અમદાવાદના વિવિધ વિસ્તારોમાં કોલ સેન્ટર ચલાવીને અમેરિકાના નાગરિકોને ટેક્ષ ભરવાના નામે રૂૂપિયા 157 કરોડની છેતરપિંડી કરનાર કોલ સેન્ટર કંપનીના 13 જેટલા સંચાલકો સામે સીબીઆઇએ બુધવારે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરી છે. આ કેસની તપાસમાં છેતરપિંડીનો આંક વધવાની સાથે અન્ય મોટા ખુલાસા થવાની શક્યતા સીબીઆઇના અધિકારીઓએ વ્યક્ત કરી છે.

સીબીઆઇમાં નોંધવામાં આવેલી ફરિયાદની વિગતો એવી છે કે અમદાવાદના નવરંગપુરા દિનેશ હોલ પાસે આવેલા શ્રેયસ કોમ્પ્લેક્સ-3માં આવેલી કંપની સંપર્ક સોફટેક પ્રાઇવેટ લીમીટેડના ડાયરેક્ટર ગૌરવ ગુપ્તા, પ્રવિણ કુમાર અને અન્ય લોકો દ્વારા અમેરિકામાં વીઓઆઇપીની મદદ કોલ કરીને ઓનલાઇન લાખો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવે છે. જેમાં એમેરિકાના સરકારી વિભાગના અધિકારીના નામે કોલ કરીને ડરાવીને સમગ્ર કૌભાંડ ચાલે છે. જે અંગે સીબીઆઇને અમેરિકાથી પણ ઇન્પુટ મળ્યા હતા.

કુલ 157 કરોડથી વધારેનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું પણ બહાર આવ્યું હતું. જે અંગે વધુ તપાસ કરતા વિગતો બહાર આવી હતી કે આ કૌભાંડમાં નવી દિલ્હી ઉત્તમનગરમાં આવેલી બીપીઓ સોલ્યુશન પ્રાઇવેટ લીમીટેડ, મકરબા કોર્પોરેટ રોડ પર આવેલા પેલાડીયમ સ્થિત શિવાય કોમ્યુનિકેશન, આશ્રમ રોડ જુની આરબીઆઇ પાસે આવેલા આત્મા હાઉસમાં આવેલા ટેકનોમાઇન સોલ્યુશન લીમીટેડ અને એસજી હાઇવે પ્રહલાદનગર ગાર્ડન પાસે આવેલા મોન્ડીયલ સ્કેવર સ્થિત ટેકનોમાઇન્ડ સોલ્યુશનથી પણ અમેરિકામાં કોલ કરવામાં આવતા હતા. જે અંગે સીબીઆઇએ વધુ તપાસ શરૂ કરી છે.

સીબીઆઈએ વિદેશી નાગરિકોને ટાર્ગેટ કરતા સાયબર ક્રાઈમના મુખ્ય મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે. વિવિધ રાજ્યોમાં લગભગ 24 સ્થળોએ તપાસ કરીને સીબીઆઇએ 2.2 કરોડની રિકવરી કરી છે. સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશને કથિત રીતે વિદેશી નાગરિકોને ચૂકવણી માટે દબાણ કરતા સાયબર ગુનાઓના મોટા મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે. ઓપરેશનના ભાગરૂપે સીબીઆઈએ દિલ્હી, ઉત્તર પ્રદેશ, હરિયાણા અને ગુજરાત સહિત વિવિધ રાજ્યોમાં લગભગ 24 સ્થળોએ કેસની ચાલુ તપાસમાં સર્ચ હાથ ધર્યું હતું અને અનેક મિલકતો અને કાગળો જપ્ત કર્યા હતા.આ ઓપરેશનમાં અંદાજે રૂૂ.2.2 કરોડ, વિદેશી ચલણ, ક્રિપ્ટો કરન્સી એકાઉન્ટ્સ અને મિલકતના કાગળો તથા અન્ય પુરાવા કબજે કર્યા છે.

ઉલ્લેખનીય છે કે, ગત 7 જુલાઇ, 2022માં એક કેસ નોંધવામાં આવ્યો હતો. જેમાં ભારતમાં ફેક કોલ સેન્ટરોએ ગુજરાત સ્થિત VOIP કંપનીની સેવાઓનો ઉપયોગ કરીને યુ.એસ.એ.ના નાગરિકોને ટાર્ગેટ કરીને લાખો રૂૂપિયાની છેતરપિંડીભર્યા કોલ કર્યા હતા. આ સાયબર ક્રાઇમના ગુનામાં ગુનેગારોએ VOIP કોલ દ્વારા યુએસ ફેડરલ ગ્રાન્ટ ડિપાર્ટમેન્ટ, IRS, SSA, CRA અને ATO જેવી સંસ્થાઓનો ઢોંગ કર્યો હતો.

આ સાથે સાથે વધુ તપાસમાં ખાનગી વ્યક્તિ, ખાનગી કંપની અને તેમના સહયોગીઓની ગુજરાત સ્થિત ખાનગી કંપનીની સેવાઓ દ્વારા સુવિધા આપતા વિદેશી નાગરિકો સામે મોટા પાયે છેતરપિંડી કરવામાં સંડોવણી બહાર આવી હતી. ભારતમાંથી સંચાલિત આંતરરાષ્ટ્રીય સાયબર છેતરપિંડી નેટવર્ક બાબતે સીબીઆઇએ વધુ તપાસ હાથ ધરી છે તપાસ બાદ વધુ ખુલાસો સમાએ આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *