22 જેટલી અરજીનો સ્થળ પર જ ત્વરિત નિકાલ કરી સમસ્યાનું નિરાકરણ લાવતાં કલેકટર સુશ્રી પ્રવીણાડી.કે. : નિવાસી અધિક કલેકટર સુધીર પટેલ તથા સંબંધિત અધિકારીઓ રહ્યા હાજર
અમદાવાદ
રાજ્ય સરકારનો સ્વાગત કાર્યક્રમ એ જનસામાન્યના પ્રશ્નોનું સુખદ સમાધાન લાવવાનું માધ્યમ બની ગયો છે. આ સ્વાગત કાર્યક્રમને 20 વર્ષ પૂર્ણ થવા પર તાજેતરમાં જ સમગ્ર રાજ્યમાં સ્વાગત સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. અમદાવાદ ખાતે નવેમ્બર મહિનાનો સ્વાગત કાર્યક્રમ ૨૩મી નવેમ્બરે જિલ્લા કલેકટર કચેરી ખાતે યોજાયો હતો. આ સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ જિલ્લા કલેકટર સુશ્રી પ્રવીણા ડી.કે.ના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. જેમાં નિવાસી અધિક કલેકટર શ્રી સુધીર પટેલ પણ હાજર રહ્યા હતા.જિલ્લા કક્ષાના આ સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં કુલ ૨૨ જેટલા અરજદારો હાજર રહ્યાં હતાં. તમામ અરજદારોની સમસ્યાને કલેક્ટરશ્રીએ ધ્યાનપૂર્વક સાંભળી હતી. આ ઉપરાંત કલેકટર સુશ્રી પ્રવીણા ડી.કે.એ વિવિધ અરજદારોના પ્રશ્નો સંદર્ભે જે-તે વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી અને ચોક્કસ સમયમાં પ્રશ્નોના નિકાલ લાવવાની સૂચના પણ આપી હતી. કલેક્ટરશ્રીએ તમામ અરજદારોની સમસ્યા સાંભળી નિયત સમયમાં હકારાત્મક ઉકેલ લાવવાની ખાતરી પણ આપી હતી. આ સ્વાગત કાર્યક્રમમાં 22 જેટલા અરજદારોના વિવિધ પ્રશ્નો જેવા કે, જમીનમાં હુકમની નોંધ કરવા બાબત, ગેરકાયદેસર બાંધકામ અટકાવવા બાબત, બસ ચાલુ કરવા અથવા સમયમાં ફેરફાર કરવા બાબત, રોડ અને ગટરની મરામત બાબત, રિ-સર્વે બાદ નક્શામાં થયેલ ભૂલ સુધારવા બાબત, દસ્તાવેજ નોંધણી માટે ભરેલ સ્ટેમ્પ ડયુટી અને રજિસ્ટ્રેશન ફીના રીફંડ બાબત જેવા અનેક પ્રશ્નોનો કલેકટર સુશ્રી પ્રવીણા ડી.કે.એ સ્થળ પર જ ત્વરિત નિકાલ કર્યો હતો. પોતાની સમસ્યાનું નિરાકરણ આવતા તમામ અરજદારોના ચહેરા પર સ્મિત જોવા મળ્યું હતું. અને તમામ અરજદારો એ સ્વાગત કાર્યક્રમની પહેલને બિરદાવી સરકાર તથા જિલ્લા વહીવટી તંત્રનો આભાર માન્યો હતો.આ બેઠકમાં સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ હાજર રહ્યા હતા.