ગાંધીનગરના વલાદ ગામની સીમમાં આવેલ જીઆઇડીસીમાં અર્થવ એન્જિનિયરિંગ નામના ભાડાના ગોડાઉનમાં પૂર્વ બાતમીના આધારે લોકલ ક્રાઇમ બ્રાંચ – 2 ની ટીમે ત્રાટકીને અંદાજીત 35 લાખની કિંમતની અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની 1600 બોટલો સાથે અમદાવાદના સાત ઈસમોને ઝડપી લઈ બે વાહનો સહિત કુલ રૂ. 39 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી વિદેશી દારૃ કટિંગનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદના બુટલેગરો સુધી દારૂ પહોંચતો કરવા માટે ભંગારના ધંધા અર્થે ગોડાઉન ભાડે રાખી હરિયાણાથી ટ્રકમાં વિપુલ માત્રામાં દારૂ મંગાવવામાં આવ્યો હતો. જે ટ્રક આસાનીથી બોર્ડર વટાવીને છેક વલાદ સુધી આવી પહોંચી હોવાની ગંધ એલસીબીને આવી જતાં દારૂ કટિંગનું રેકેટ બહાર આવી ગયું છે.
ગાંધીનગર રેન્જ આઈજી વીરેન્દ્રસિંહ યાદવ તેમજ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમસેટ્ટીની સૂચનાથી લોકલ ક્રાઇમ બ્રાંચ – 2 નાં ઈન્ચાર્જ પીઆઈ ડી બી વાળાનાં સુપરવિઝન હેઠળ સ્ટાફના માણસો નાઈટ પેટ્રોલીંગ કરી રહ્યા હતા. એ દરમ્યાન બાતમી મળી હતી કે, જયેશ ઉર્ફે જીગો બળદેવભાઇ સોલંકી (રહે. મુઠીયા ગામ, નરોડા જી.આઇ.ડી.સી., અમદાવાદ) વલાદ ગામની સીમમાં આવેલ જી.આઇ.ડી.સી.માં અથર્વ એન્જીનિયરીગ નામનુ ગોડાઉન ભંગારનો ધંધો કરવાના બહાને ભાડે રાખી વિદેશી દારૂનો સંગ્રહ કરી કટિંગ કરાવી રહ્યો છે. જેનાં પગલે પોલીસ કાફલાએ જીઆઈડીસીમાં એન્ટ્રી મારી હતી. આ દરમ્યાન એક ઇટીયોસ ગાડી ચાલકે પોલીસને જોઇને ગાડી ભગાડી મુકી હતી. જેને ફિલ્મી ઢબે કોર્ડન કરી રોકી દઈને ચાલકને દબોચી લેવામાં આવ્યો હતો. જેની પૂછતાંછ કરતાં તેણે પોતાનું નામ જયેશ ઉર્ફે જીગો બળદેવભાઈ સોલંકી હોવાનું જણાવ્યું હતું. બાદમાં પોલીસે કારની તલાશી લેતાં અંદરથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.
જે અન્વયે પોલીસ કાફલો જયેશને લઈને બાતમી વાળા ગોડાઉનમાં ત્રાટકી હતી. જ્યાં કેટલાક ઈસમો પીકઅપ ડાલામાં વિદેશીદારૂની પેટીઓ લોડીંગ કરતાં જોવા મળ્યા હતા. જેઓને જેતે સ્થિતિમાં રહેવાની સૂચના આપી પોલીસે દરોડાની કાર્યવાહી શરૂ કરી હતી. ગોડાઉનમાં દારૂની પડેલ અલગ અલગ બ્રાન્ડની દારૂની પેટીઓ જોઈ એલસીબીની ટીમની પણ આંખો પણ પહોળી થઈ ગઈ હતી. જેની ગણતરી કરતા અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની 601 પેટીઓમાં અંદાજીત 1600 બોટલો હોવાનું પ્રકાશમાં આવ્યું હતું.
બાદમાં પોલીસે દારૃનો જથ્થો લોડીંગ કરવા આવેલા ઠાકોર લક્ષ્મણ કશનજી, ઠાકોર રાહુલ કરશનજી, નવદિપ ઉર્ફે ભોલો ખેતારામ સિન્દે સુનિલ મુરલીધર મરાઠી, બાદલ કાન્તિભાઈ મારવાડી અને ઠાકોર દશરથ જયંતિજીની પણ ધરપકડ કરી લીધી હતી. જેઓને જયેશ ઉર્ફે જીગો મજૂરી પેટે રૂ. 1 હજાર આપવાનો હતો. ત્યારે પોલીસે જયેશની કડકાઈથી પૂછતાંછ કરતાં તેણે કબુલાત કરેલી કે રાજુભાઈ મારવાડીના નામે ભંગારનો ધંધો કરવાના બહાને ગોડાઉન ભાડે રાખ્યું હતું. અને ગઈકાલે હરિયાણાથી સમીર નામના ઈસમ પાસેથી ટ્રકમાં દારૂનો જથ્થો મંગાવ્યો હતો. જે ટ્રક આસાનીથી બોર્ડર વટાવીને વલાદ જીઆઈડીસી સુધી આવી પહોંચતા ગોડાઉનમાં દારૂ ઉતાર્યો હતો.
આ દારૂ અમદાવાદમાં વેપાર કરતા બુટલેગરો સુધી પહોંચતો કરવાનો હતો. જ્યારે ઈટીયોસ ગાડી અમદાવાદના બુટલેગર સમીરની હોવાની વધુમાં જયેશે કબૂલાત કરી હતી. લોકોને ભંગારનું ગોડાઉન લાગે એટલે પ્લાસ્ટીકના મીણીયાની પસ્તીનો ભંગાર વેરણ છેરણ કરી દેવાયો હતો. આમ પોલીસે મુખ્ય સૂત્રધાર જયેશ સહિત સાત ઈસમોની ધરપકડ કરી બે વાહનો સહિત કુલ રૂ. 39 લાખનો મુદ્દામાલ જપ્ત કરી લીધો છે. ઉલ્લેખનીય છે કે દિવાળી પહેલા જ ડભોડા પોલીસે વલાદ જીઆઈડીસીના તમામ ગોડાઉનમાં સઘન ચેકીંગ હાથ ધર્યું હતું. એટલે ઉક્ત ગોડાઉન દિવાળીનાં તહેવારો દરમ્યાન જ ભાડે રાખવામાં આવ્યું હોવાનું પોલીસનું અનુમાન છે.