મોરબી શહેરમાં યુવકને ઢોર માર મારવાની ઘટનામાં લેડી ડોન તરીકેનો રોફ મારનાર રાણીબા ઉર્ફે વિભૂતિ પટેલને મોટો ઝટકો મળ્યો છે. રાણીબા સહિત તમામ આરોપીઓના આગોતરા જામીન નામંજૂર થયા છે. આ અંગેની મોરબી સેશન્સ કોર્ટમાં અરજી પર સુનાવાણી થઇ હતી. નોંધનીય છે કે, આરોપી વિભૂતિ પટેલ ઉર્ભે રાણીબા સાથે તેના ભાઈ સહિત પાંચ આરોપીઓએ ગઈકાલે આગોતરા જામીન અરજી કરી હતી.
નોંધનીય છે કે, રાણીબાએ કામે રાખેલા યુવાનને પગાર ચુકવ્યા વગર જ છૂટો કરી દેતા અને પછી તેને બોલાવીને માર મારતા વિવાદ વકર્યો હતો. આ ઘટના ચર્ચામાં આવતા લેડી ડોન ભૂગર્ભમાં ઉતરી ગઇ હતી. વિભૂતિ પટેલે પોતાનું પગરખું યુવાનને મોઢામાં મુકાવીને માફી માંગતો વીડિયો ઉતાર્યો હતો. આટલું જ નહીં તેને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કર્યો હતો જેને પગલે ભોગ બનેલા યુવાને મોરબી એ ડિવિઝનમાં ફરિયાદ નોધાવી હતી.
મોરબીમાં પોતાને રાણીબા તરીકે ઓળખાવતી વિભૂતિ પટેલ મોરબીમાં સિરામિક એક્સ્પોર્ટનો વ્યવસાય કરે છે. ફરિયાદી યુવાન નિલેષભાઈને ઢોર માર મારતા મોરબી સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં એ ડિવિઝન પોલીસે આરોપી વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા સહિત બાર લોકો સામે એટ્રોસિટી એકટની કલમો ઉપરાંત IPC કલમ 323, 504, 506 વગેરે મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. આરોપી વિભુતી પટેલ ઉર્ફે રાણીબા લેડી ડોનના વહેમમાં ફરતી હોય તેવી રીતે આ પહેલા પણ તે ચર્ચામાં આવી હતી. તે સોશિયલ મીડિયામાં ઘણી જ અપડેટ રહે છે.
સોશિયલ મીડિયામાં તેના અનેક આપતિજનક વીડિયો જોવા મળી રહ્યા છે. જેમાં તે લેડી ડોન હોય તેવા અંદાજ જોવા મળે છે. તલવાર વડે અનેક કેક કટિંગ કરી રૌફ જમાવવાનો પ્રયાસ કરતી હોય તેવા વીડિયો પણ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર જોવા મળે છે. મોરબીમાં થોડા દિવસ પહેલા મોરબી એ ડિવિઝન પોલીસ મથકે કરવામાં આવેલી ફરિયાદ પ્રમાણે, નિલેશ કિશોરભાઈ દલસાણીયા નામનો યુવક 2 ઓક્ટોબરના રોજ રાણીબા ઇન્ડસ્ટ્રીઝમાં એક્સપોર્ટ વિભાગમાં નોકરીએ ગયો હતો. આ બાદ, 18 ઓક્ટોબરે તેમને નોકરીએ આવવાનું ના પડ્યું હતું. જે બાદ પોતાનો પગાર ન આવતા તેમણે આરોપીઓને ફોન કરીને મહેનતાણું માંગ્યું હતું. આ ફોનમાં આરોપીઓએ તેને ઓફિસ આવવા કહ્યું હતું. તો પિડિત પોતાના પાડોશી સાથે ઓફિસે જતાં સાથે આવેલા યુવકને ડી.ડી. રબારી નામના વ્યક્તિએ લાફાઓ મારીને ભગાડી દેવામાં આવ્યો હતો. આ બાદ, પિડિત નિલેશને આરોપી ઓમ પ્રકાશ, આરોપી રાજ પટેલ અને ઓફિસનો મેનેજર પરીક્ષિત નિલેશએ વાળ પકડીને મોઢા ઉપર ફડાકા મારી ઓફિસની છત ઉપર લઈ ગયા હતા. જ્યાં આરોપીઓ વિભૂતિ પટેલ સહિતના સાગરીતો દ્વારા કમર પટ્ટા વડે તથા ઢીકાપાટુનો મુંઢમાર માર્યો હતો.
આ સાથે જ, પિડિત નિલેશના મોઢામાં વિભૂતિ પટેલે પોતાનું ચપ્પલ લેવડાવી જ્ઞાતિ પ્રત્યે અપશબ્દો બોલ્યા હતા. આ ઉપરાંત, આરોપી રાજ પટેલે બળજબરીપૂર્વક માફી માંગતો અને બીજો ખંડણી ઉઘરાવતો વીડિયો ઉતારી નિલેશને અપશબ્દો બોલીને જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવી હતી. આરોપીઓ દ્વારા નિલેશને બેફામ માર મારવામાં આવતા તેને મોરબી સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.