ઉત્તર પ્રદેશના નોયડામાંથી દર્દનાક ઘટના સામે આવી છે. અહીં એક સોસાયટી પાસેથી સવારે પસાર થઈ રહેલી ચાલુ ગાડીમાં આગ લાગતાં બે લોકો જીવતા સળગી ગયા છે. પોલીસે બે મૃતદેહ કારમાંથી બહાર કાઢ્યા છે. મળતી માહિતી મુજબ નોઈડાના સેક્ટર 119માં શનિવારે સવારે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આમ્રપાલી પ્લેટિનમ સોસાયટીની સામે એક વ્હાઈટ રંગની સ્વિફ્ટમાં ભીષણ આગ લાગી ગઈ હતી.
આ દુર્ઘટનાની સૂચના મળતા જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો. મૃતકોની ઓળખ નથી થઈ શકી. પ્રાપ્ત માહિતી પ્રમાણે વ્હાઈટ રંગની સ્વિફ્ટ કાર આજે સવારે લગભગ 6:08 વાગ્યે આમ્રપાલી પ્લેટિનમ સોસાયટીની સામેથી પસાર થઈ રહી હતી. CCTVમાં તેની તસવીરો પણ કેદ થઈ ગઈ છે અને ત્રણ મિનિટ બાદ અચાનક જ કારમાં આગ લાગી ગઈ હતી. જોત જોતામાં જ કાર આગનો ગોળો બની ગઈ હતી.
સોસાયટીની બહાર કારમાં લાગેલી આગને જોઈને લોકોએ તાત્કાલિત તેની સૂચના સ્થાનિક પોલીસને આપી. ત્યારબાદ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને કારની આગ પર કાબુ મેળવ્યો હતો. કારમાંથી બે પુરુષોના મૃતદેહો મળી આવ્યા છે. જેઓ કારમાંથી આગના કારણે બહાર નીકળી શક્યા નહોતા. આ બંને લોકો જીવતા સળગી જતા દુ:ખદ મોત થઈ ગયા હતા. ગાડીનો નંબર ગાઝિયાબાદનો હોવાની માહિતી મળી રહી છે.
આ ઘટના અંગે માહિતી આપતા નોઈડાના ADCP શક્તિ મોહન અવસ્થીએ જણાવ્યું કે, આજે સવારે પોલીસ સ્ટેશન સેક્ટર 113માં સૂચના મળી હતી કે, સેક્ટર 119માં આમ્રપાલી પ્લેટિનમ સોસાયટીની સામે વ્હાઈટ રંગની સ્વિફ્ટ કારમાં આગ લાગી ગઈ છે. સૂચના મળતા જ સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિગેડના ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો.
તેમણે કહ્યું કે, કારમાંથી બે લોકોના મૃતદેહ મળી આવ્યા છે. તેમની ઓળખ કરવામાં આવી રહી છે. સીસીટીવી ફૂટેજથી જાણવા મળ્યું છે કે, આ કાર સવારે લગભગ 6:08 વાગ્યે સોસાયટીની સામે પાર્ક કરવામાં આવી હતી અને લગભગ ત્રણ મિનિટ બાદ અચાનક તેમાં આગ લાગી ગઈ હતી. અન્ય તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે. બંને મૃતકોની ઓળખ નથી થઈ શકી તેમની ઓળખ માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.